અમદાવાદ: શહેરના કારંજ ત્રણ રસ્તા પાસેથી પોલીસે એમ.ડી ડ્રગ્સ સાથે બે યુવકોની ધરપકડ કરી છે. ઝોન 2 એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી હકીકતના આધારે એલસીબી અને કારંજ પોલીસની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને બે યુવકોને પકડીને 66,000 ની કિંમતમાં એમ.ડી ડ્રગ્સ અને વાહન સહિત 1.27 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓને ડ્રગ્સ આપનાર યુવકનું પણ તપાસમાં નામ ખુલતા તેને પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા: પોલીસ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર નશાકારક પદાર્થોની હેરાફેરી પકડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ રીતે કામગીરી કરવામાં આવી રહી છે, તેના જ ભાગરૂપે કારંજ પોલીસ અને ઝોન 2 LCB ની ટીમ તપાસમાં હતી ત્યારે PSI આઈ.ડી પટેલને બાતમી મળી હતી. જે આધારે પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી કારંજ ત્રણ રસ્તા પાસેથી મોહમ્મદ બિલાલ કુરેશી અને જાવેદ શાહ સૈયદ નામના બે યુવકોને પકડી પાડ્યા હતા. સાથે જ પોલીસે 6.600 ગ્રામ વજનનું એમ.ડી ડ્રગ્સ, એક વાહન અને બે મોબાઈલ ફોન તેમજ 6170 રૂપિયા રોકડ રકમ અને ડિજિટલ કાંટા સહિત એક લાખ 27 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વધુ તપાસ શરૂ: આ મામલે પકડાયેલા આરોપીઓ સામે કારંજ પોલીસ મથકે ગુનો દાખલ કરી પૂછપરછ કરવામાં આવતા દાણીલીમડા વિસ્તારમાં રહેતા ઈશાન મજીદભાઈ મેમણ નામના યુવકે તેઓને ડ્રગ્સ આપ્યું હોવાની હકીકત સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે ઝડપાયેલા આરોપીઓમાંથી જાવેદશાહ સૈયદ અગાઉ SOG અને કારંજ પોલીસ સ્ટેશનમાં આવા જ ડ્રગ્સના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી આ રીતે ડ્રગ્સનો વેપાર કરતા અને આ રીતે શહેરના અલગ અલગ વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવતા હતા, પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.