અમદાવાદ : અમેરિકાથી આવેલી સિક્રેટ એજન્સીએ થોડા દિવસો પહેલા ગાંધી આશ્રમની મુલાકત લીધી હતી. જ્યાં સિક્યોરિટી અને સુરક્ષાની સમીક્ષા કરી હતી. જેમાં વિશ્વસનીય સૂત્રોના કહેવા પ્રમાણે સિક્રેટ એજન્સીના એજન્ટોએ સ્થાનિક અધિકારીઓને પૂછ્યું હતું કે ટ્રમ્પને કેમ ગાંધી આશ્રમની મુલાકત લેવડાવી છે. ત્યારે તેનો જવાબ આપતા અધિકારીએ જણાવ્યું કે ઐતિહાસિક અને વિશ્વમાંથી આવતા તમામ લોકો પહેલા ગાંધીઆશ્રમની મુલાકત લેવા આવતા હોય છે.
સૂત્રોના કહેવા પ્રમાણે અનેક એવા વેધક સવાલો એજન્ટોએ કર્યા હતા, ત્યારે ગાંધી આશ્રમની મુલાકતનો ટ્રમ્પના કાર્યક્રમમાં કોઈ ઉલ્લેખ ન થતા એક મહત્વની અસમંજસ ઉભી થઈ છે. જોકે ગાંધી આશ્રમની અંદર જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષાની સમીક્ષા પણ ગુજરાતની પોલીસ અને અન્ય ભારત એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
ગાંધી આશ્રમના સેક્રેટરી અમૃત મોદીના જણાવ્યાં પ્રમાણે હજુ સુધી તેમના સુધી કોઈ સત્તાવાર રીતે માહિતી સરકાર દ્વારા આપવામાં નથી આવી. જેથી તેઓ પણ ટ્રમ્પ આવવાના છે કે નહીં તેને લઈ અસમંજસમાં છે.