અમદાવાદ: જશોદાનગર નજીક રેલવે ફાટક ઓળંગવા જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ફાટક ઓળંગવા જતાં વૃદ્ધ ટ્રેનની અડફેટે આવી જતાં તેમનો પગ કપાયો હતો. અકસ્માતની ઘટના બનતા ટ્રેનને પણ અમુક સમય માટે રોકી દેવામાં આવતા ફાટક પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
જમણો પગ કપાયો: ઘોડાસર વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર પાર્કમાં રહેતા 61 વર્ષીય જોષી મહેશભાઈ રાજેન્દ્રભાઈ બપોરના સમયે ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રેલવે ફાટક બંધ હતુ અને તેઓએ બંધ રેલવે ફાટક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે ત્યાં હાજર વાહન ચાલકો અને ફાટક મેન એ તેઓને રોકવા માટે બુમો પાડી હતી પરંતુ તેઓને ધ્યાન ન પડતા તે સમયે જ મહેમદાવાદથી મણિનગર તરફ જતી માલગાડી સાથે તેઓ અથડાતા વ્હીલ નીચે આવી જતા જમણો પગ કચડાઈ ગયો હતો.
સારવાર દરમિયાન મોત વૃદ્ધનું મોત: ફાટક પર ઉભેલા વાહન ચાલકોએ તેઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, જો તેઓ ન રોકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને તેઓનો પગ ફાટક નીચે ફસાઈ જતા ટ્રેન પણ રોકી દેવામાં આવી હતી. આ અકસ્માત જોનારા લોકોએ તરત જ સજાગતા રાખવીને 108 ને ફોન કરતા આસપાસની 108ની ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ચૂકી હતી. તેઓને ગંભીર ઇજાઓ પગમાં થઈ હોય સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજતા આ મામલે અકસ્માત મોત દાખલ કરવાની પ્રક્રિયા પોલીસે હાથ ધરી છે.
ફાટક ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો: આ અકસ્માતને પગલે ફાટક ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે તંત્ર દ્વારા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે મોકલ્યા બાદ ટ્રેનને આગળ વધારી હતી અને ટ્રાફિક દૂર કરાવ્યો હતો.