અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ ખાતે આજે બુધવારના સવારે કોરોના વોર્ડમાં ફરજ બજાવતા હાઉસ કીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફએ પગાર મુદ્દે હોબાળો મચાવ્યો હતો. 7 મે સુધીમાં પગાર થઈ જતો હોય છે પરંતુ અત્યાર સુધી પગાર ન થતા તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને હોબાળો કર્યો હતો.
સ્ટાફે જણાવ્યું હતું કે, અમે 150 જેટલા કર્મચારીઓ કોવિડ વોર્ડમાં ફરજ બજાવીએ છીએ. અમારો પગાર 7 મે સુધીમાં થાય છે. જો કે બીજા 6 દિવસ ગયા બાદ પણ પગાર કરવામાં ન આવતા આજે સવારની શિફ્ટવાળા તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે, હાલમાં પેશન્ટ હેરાન ન થાય અને ઉપરી અધિકારી સાથે વાત થઈ છે. કાલ સુધીમાં પગાર નહી થાય તો ફરીથી હડતાળ કરી દઈશું.
SVP હોસ્પીટલમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ સંક્રમિત દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે ડૉક્ટરોને સુરક્ષા આપવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં ડૉક્ટરો તેમજ મેડિકલ સ્ટાફ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. દરમિયાન ગઈકાલે જ SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરતા રેસિડેન્ટ ડોક્ટરોએ પૂરતા પ્રમાણમાં માસ્ક પૂરા પાડવાની અને પોતાની સુરક્ષાની માગ સાથે ધરણાં કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયાં હતાં, જ્યાં ધરણા કરનાર સાથે વાતચીત બાદ ધરણાં સમેટાયાં હતાં.