અમદાવાદઃ શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાના કેસ 10,000ને પાર પહોંચી ગયા છે, ત્યારે ફ્રન્ટ લાઈન વર્કર પણ આમાંથી બાકાત નથી.
તેવામાં અમદાવાદ શહેરના જશોદાનગર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ફાયર સ્ટેશનના ત્રણ જવાનો કોરોના પોઝિટિવ થતા તેમને S.V.P. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મણિનગરના ફાયર ઓફિસર આ ફાયરમેનોના સંપર્કમાં આવ્યા હોવાથી તેમને 8 દિવસ ક્વોરેન્ટાઇન રહેવાનો ચીફ ફાયર ઓફિસરે ઓર્ડર કર્યો છે.
કુલ 5 ફાયર મેનો પૈકી ત્રણના રિપોર્ટ આવ્યા છે. હજુ બે જવાનોના રિપોર્ટ આવવાના બાકી છે. મણિનગરના ફાયર ઓફિસરને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. નોંધનીય છે કે, આ અગાઉ નરોડા ફાયર સ્ટેશનના ત્રણ જવાનના રિપોર્ટ કોરોના પોઝિટિવ થતા નરોડા ફાયર ઓફિસર ક્વોરેન્ટાઇન થયા હતા.