અમદાવાદના સરદારનગર વિસ્તારમાં(Sardarnagar area of Ahmedabad) ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં રહેતા વૃદ્ધા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પરિવારના સભ્યો પણ હોસ્પિટલમાં હોય જે તકનો લાભ લઈને બે શખ્સોએ ઘરમાં તાળું તોડીને પ્રવેશ કર્યો હતો. ઘરમાં તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત દોઢ લાખની ચોરી કરી હતી. જોકે ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે.
હોસ્પિટલમાં સારવાર હેઠળ સરદારનગર વિસ્તારમાં આવેલી સિંધી કોલોનીમાં જીતેન્દ્ર ખૂબચંદાણી નામના યુવક પરિવાર સાથે રહે છે. અને તેઓ સુરતમાં એલ એન્ડ ટી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ફરિયાદીના દાદી છેલ્લા દસ દિવસથી બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અને તેઓના પરિવારજનો પણ તેઓની સાથે હોસ્પિટલમાં હાજર હતા. ગુરુવારે રાતના સમયે ફરિયાદીના પિતા રાજેશભાઈને ઘરમાં લગાવેલા મોશન સેન્સરવાળા કેમેરામાંથી ફોન પર નોટિફિકેશન મળ્યું હતું, જેમાં ઘરમાં ચોર ઘૂસ્યા હોવાનું દેખાતા રાજેશએ મોબાઈલ ફોનમાં ચોર ચોરની બૂમો પાડી હતી. જેનો અવાજ ઘરમાં લાગેલા સ્પીકરમાં સંભળાતા ચોરના કાન સુધી પહોંચી ગયો હતો.
ચોર ચોરનો અવાજ ઘરમાં લાગેલા સ્પીકરમાંથી ચોર ચોરનો અવાજ સંભળાતા જ ઘરમાં કોઈ સભ્યો હોવાની આશંકા જતા બંને ચોર ઘરમાંથી ભાગી ગયા હતા. જે બાદ જીતેન્દ્રભાઈ ઘરે પહોંચ્યા હતા અને જોઈ તો ઘરમાં તાળું તૂટેલું હતું અને તિજોરીમાંથી દાગીના અને રોકડ સહિત 1.50 લાખની ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી. જે મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે એરપોર્ટ પોલીસ મથકના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઘટના સંદર્ભે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે.