અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે રીઢા ચેઈન સ્નેચરની ધરપકડ કરી સોનાના દાગીના અને વાહન સહિતના મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના સાબરમતી તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે. પકડાયેલા આરોપીની તપાસ કરતા તેમણે 50થી વધુ ગુના આચર્યા હોવાની હકીકત સામે આવી છે.
58,000થી વધુનો મુદ્દામાલ કબજે: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એન.જી સોલંકીની ટીમે બાતમી હકીકતના આધારે અમરાઈવાડી હાટકેશ્વર સર્કલ બ્રિજ નીચેથી મુકેશ ઉર્ફે બલ્લુ નામના 50 વર્ષીય શખ્સની કરી છે. આરોપી પાસેથી સોનાની ચેનનો ટુકડો તેમજ ગુનો કરવા માટે વપરાયેલ બર્ગમેન સહિત 58,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે અમદાવાદના સાબરમતી તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલા આરોપીની તપાસ કરતાં તેણે એકાદ મહિના અગાઉ નરેશ ઉર્ફે નાની ભાવસાર નામના યુવક સાથે મળીને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જે બાદ ઇસનપુર વિસ્તારમાં અને સી.જી રોડ તેમજ જનતાનગર ખાતે ચેન સ્નેચિંગ કરી હોય તે પ્રકારની કબૂલાત કરી છે.
50થી વધુ ગુના દાખલ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતા તે અગાઉ અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં 50થી વધુ ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં અમરાઈવાડી, વટવા, વેજલપુર, મણીનગર, સેટેલાઈટ, સાબરમતી, ચાંદખેડા, ઇસનપુર, એલિસબ્રિજ સહિતના કુલ 53 ગુના માટે અગાઉ પકડાયો અને આઠ વખત પાસા ભોગવી ચુક્યો હોય તેણે આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.