- રેલવે આઇસોલેશન કોચનો કોઇ ઉપયોગ નહીં
- પશ્ચિમ રેલવેએ 420 કોચને રૂપાંતરિત કર્યા હતા
- પહેલાથી સુવિધાયુક્ત કોચ ધૂળ ખાઈ રહ્યા છે
અમદાવાદ : ભારતીય રેલવે દ્વારા 2020ના એપ્રિલ મહિનામાં કોવિડ 19 દર્દીઓ માટે રેલવે કોચને ક્વોરેન્ટાઇન/આઇસોલેશન સુવિધામાં રૂપાંતરિત કરાયા હતા. પ્રથમ તબક્કામાં ભારતીય રેલવે દ્વારા આવા 5,000 કોચને રૂપાંતરિત કરાયા હતા, જેમાં પશ્ચિમ રેલવેએ 420 કોચને રૂપાંતરિત કર્યા હતા. એક તરફ કોરોનાના વધતા કેસને લઈને હોસ્પિટલમાં જગ્યા નથી, ત્યારે પહેલાથી સુવિધાયુક્ત કોચ ધૂળ ખાઈ રહ્યા છે.
આ પણ વાંચો - રેલવેનો વધુ એક મહત્વનો નિર્ણય, આઇસોલેશન વોર્ડ માટે 5000 કોચ આપ્યા
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં બન્યા હતા કોચ
420 કોચમાંથી 70 કોચને પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. આ કન્વર્ઝન કાંકરીયા, અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ અને ભુજ સ્થિત 5 કોચિંગ ડેપોમાં કરવામાં આવ્યું હતુ. આ કોચમાં 08 દર્દીઓને ઉંઘવાની, ઓક્સિજનની અને ન્હાવાની સગવડો પણ ઉભી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કોચમાં ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ માટે પણ જગ્યા છે.
આ પણ વાંચો - કોરોના વાઈરસ સામે સાવચેતી: પોરબંદર રેલવે વિભાગે તૈયાર કર્યા 6 આઇસોલેશન કોચ
કોચનો ઉપયોગ કરવા માગ
જે ઉદ્દેશ્યથી આ કોચ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાંથી એક પણ વાર તેનો ઉપયોગ થયો નથી. કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સાથે લોકો દ્વારા આ કોચનો ઉપયોગ થાય તેવી માગ ઉઠી છે. બીજી તરફ રેલવેના કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત આવી રહ્યા છે, ત્યારે આ કોચમાં તેમને સારવાર આપવી જોઈએ.