અમદાવાદ: રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા માટે લોકો ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે રાજયમાં ગરમીના પ્રમાણમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જેથી લોકો ભારે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જગતના તાતને રિઝવવા માટે લોકો અનેક પ્રયાસો પણ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સાયક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર બંને સિસ્ટમની અસર થવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહશે.
રાજ્યમાં 4, 5 અને 6 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 4 થી 6 ઓગસ્ટના વલસાડ, નવસારી, દમણ, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ગીર સોમનાથ, ખેડા, પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હવામાનની આ આગાહી સાયક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર બંને સિસ્ટમની અસરને લઇ કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદી માહોલ રહેશે અને 4થી 6 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ કૃષિ વિભાગની એક બેઠક મળી હતી. જેઓએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી 70.27 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોની વાવણી થઈ ચૂકી છે. ગત વર્ષે આજ સમય દરમિયાન 58.17 લાખ હેક્ટરમાં વાવણી કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગના જણાવ્યા પ્રમાણે, સારા વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીના સંગ્રહની સ્થિતિ સુધરી છે. હાલ રાજ્યના ડેમોમાં ક્ષમતા કરતા 50 ટકા વધુ સંગ્રહ થઈ ચૂક્યો છે.