અમદાવાદઃ અમદાવાદનું સુપ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. આજથી ભક્તો નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી શકશે. કોરોનાની મહામારીના પગલે દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિરમાં બે દરવાજા છે, જેમાંના અંદરના દરવાજા સુધી ભક્તો જઈ શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તમામ ગાઈડલાઈનનું મંદિર તરફથી પાલન થાય અને દર્શનાર્થીઓ પણ પાલન કરે તેવી વિનંતી કરાઈ છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. તેમજ તમામ ભક્તોએ માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. જો કે, કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ભદ્રકાળી માતાનું મંદિર આવ્યું હોવાથી મંદિર 8 જૂનથી ખુલી શક્યું ન હતું.
અમદાવાદ સહિત રાજ્યભરના મંદિરો દર્શનાર્થીઓ માટે 8 જૂનથી ખુલ્યા હતા. જોકે અમદાવાદનું સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર ખોલવામાં આવ્યું ન હતું. 8 જૂનના રોજ મંદિરની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગના કુંડાળા દોરવામાં આવ્યા તો હતા, પરંતુ મુખ્યદ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યો હતો. જેથી ભક્તો મંદિરની બહારથી જ દર્શન કરી રહ્યાં હતા.
ભક્તોનું સ્ક્રિનિંગ કરીને જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ ભક્તોને ફરજિયાત માસ્ક પહેરાવાયા હતા. મંદિરના દ્વાર નગરજનો માટે ખોલાતા પહેલા સમગ્ર મંદિર પરિસરને સેનેટાઈઝ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ભદ્રકાળી મંદિર અગાઉ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં હતું. હવે આ વિસ્તાર કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી મુક્ત કરાયો છે.