અમદાવાદ: વરસાદ આવતા જ અનેક જૂના પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન છે, પણ નવા બનેલા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓ હેરાન જોવા મળી રહ્યા છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફાયબરનો ડોમ ઊભા કરી PIની ચેમ્બર અને ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ઊભો કરાયો છે.
જેમાં એક ડોમમાં ખાડો પડી જતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. સરદારનગર, કુબેરનગર, છારાનગર વિસ્તાર પહેલા સરદારનગર પોલીસ સ્ટેશનમાં આવતો હતો, પરંતુ એરપોર્ટ પર વિદેશીઓ આવતા તે લોકોને પોલીસનો સંપર્ક સાધવો હોય તો મુશ્કેલી પડતી હતી. જેથી એરપોર્ટ કેમ્પસમાં જ એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જેમાં અમુક ભાગ કોન્ક્રિટનો છે, જ્યારે અમુક ભાગ ફાયબરના ડોમનો બનાવેલો છે. ખાસ PIની ચેમ્બર અને ઇન્વેસ્ટિગેશન રૂમ ફાયબરના ડોમમાં ઊભા કર્યા છે, ત્યારે હવે આ જ ઓફિસમાં ખાડો પડતા પોલીસકર્મીઓ હેરાન થઈ ગયા છે.
રસ્તાઓ પર તો ઘણા ભુવા પડ્યા, પરંતુ હવે શહેરના પોલીસ સ્ટેશનમાં પણ ભુવા દિવસ રાત ખડેપગે રહેતા પોલીસકર્મીઓ કેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે હવે ઉચ્ચ અધિકારીઓએ જોવાનું છે. આ ખાડો પડતા જ જીવના જોખમે પોલીસકર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અત્યંત ખરાબ પરિસ્થિતિમાં પોલીસ જવાન કામ કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં પડેલા ખાડાથી બચવા લાકડાના પાટિયા લગાવી પોલીસે પોતાનું કામ ચાલુ રાખ્યું છે. જો કે, ફાયબરના શેડ પોલીસ સ્ટેશન કોઈ પૂછે તો એક જ પોલીસ સ્ટેશનનું નામ આવે એરપોર્ટ પોલીસ સ્ટેશન. તેનાથી મહત્વનું છે કે, આ પોલીસ સ્ટેશનને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની જગ્યામાં બનાવેલું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે કરતા વધુ દિવસથી અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગાબડાં પડી ગયા છે. સૂત્રોનું જણાવવું છે કે, આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ હોવા છતાં પણ તેઓના પેટનું પાણી પણ નથી હલતું તે વાત પણ સ્વીકારવી જ રહી, ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ નિર્ણય લે છે કે નહીં.