અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા 22મી એપ્રિલ સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવના આંકડા પ્રમાણે દિલ્હીમાં ગુજરાત કરતા થોડાક વધુ જ્યારે તમિલનાડુ અને રાજસ્થાનમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઓછી હોવા છતાં ત્યાં હોસ્પિટલમાંથી દર્દીઓના સાજા થવાની સંખ્યા ગુજરાત કરતા વધું છે. ગુજરાતમાં 2407 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જે પૈકી માત્ર 179 લોકો જ હોસ્પિટલમાં સારવાર લઈને સાજા થયા છે. જ્યારે દિલ્હીમાં 2248 કેસ સામે 724 અને તમિલનાડુમાં 1629 કેસ પૈકી 662 દર્દીઓ સારવાર લઈને કોરોનાને માત આપી છે. રાજસ્થાનમાં પણ 1935 કેસ નોંધાયા છે. જેમાંથી 344 સાજા થઈ ગયા છે.
એટલું જ નહિ દિલ્હી, રાજસ્થાન, અને તમિલનાડુમાં મૃત્યુની સંખ્યા પણ ગુજરાત કરતા ખૂબ જ ઓછી છે. રાજધાની દિલ્હીમાં કોરોનાથી 48, રાજસ્થાનમાં 27 અને તમિલનાડુમાં માત્ર 18 દર્દીઓના મોત નીપજ્યાં છે. જ્યારે ગુજરાતમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 103 જેટલી છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં 5649 કેસ નોંધાયા છે. જે પૈકી 789 દર્દીઓ સાજા થયા છે, અને 269 દર્દીઓના મોત થયા છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ગુજરાત કરતા ઓછા અને સાથે સાજા થવાની સંખ્યા પણ ઓછી છે. પરંતુ સાજા થવાની એટલે કે, રિકવરી રેટ ગુજરાત કરતા વધુ સારી છે.
નોંધનીય છે કે, ઘણા રાજ્યોમાં ગુજરાત કરતા પહેલા કોરોનાના કેસ આવ્યા છે. જેમાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધું છે. ગુજરાતમાં કોરોના કેસ મોડા નોંધાયા હોવાથી પણ અહીં રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઓછી હોઇ શકે છે. વળી ગુજરાતમાં 22મી એપ્રિલ સુધીમાં કોરોનાના 2407 કેસ નોંધાયા છે. જે પૈકી 1400થી અમદાવાદમાં સામે આવ્યા છે.