અમદાવાદ : ગુજરાતમાં નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ ફરી એકવાર રાજ્યમાં માવઠાનો ખતરો તોળાઇ રહ્યો છે. હજુ પણ માવઠાની માર ગુજરાતે સહન કરવી પડી શકે છે. આવનારા સપ્તાહમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 થી 5 ડિસેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે.
કયા વિસ્તારમાં વરસાદનો ખતરો : હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના 11 જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. જેમાં કેટલાક સ્થળોએ માવઠું જોવા મળી શકે છે.
કમોસમી વરસાદનું કારણ : હવામાન વિભાગની માહિતી અનુસાર મુખ્યત્વે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે વરસાદ પડી શકે છે.
ભારે પવન અને ભેજયુક્ત હવા : હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, પશ્ચિમ દિશાના પવનનાં કારણે ભેજયુક્ત હવાને લીધે વરસાદ આવવાની સંભાવના છે. જોકે હવે ડિસેમ્બર મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તેમજ 10 થી 15 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ હાલ દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. તો મહીસાગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરી છે. ટૂંકમાં હવામાન વિભાગની આગાહી બાદ લોકો હવે માવઠું ન આવે તેવી આશા સાથે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
ગત સપ્તાહની સ્થિતિ : ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆતમાં જ ગયા મહિને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સમગ્ર રાજ્યમાં ભારે પવન અને કરા સાથે ખાબકેલા વરસાદથી સમગ્ર રાજ્યના ખેતરમાં પાણી ભરાઈ જતાં પાકને મોટું નુકસાન થયું હતું. સાથે સાથે વીજળી પડવાથી જૂજ મોત સહિત માલ-મિલકતને પણ નુકસાન થયું હતું. ત્યારે હવે આ કમોસમી વરસાદની આગાહીને પગલે ચિંતિત રાજ્યના ધરતીપુત્રો સહિત સામાન્ય વ્યક્તિ પણ ચિંતિત બન્યા છે.