અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ.એચ વોરાએ અમદાવાદ સેસન્સ કોર્ટ દ્વારા ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેવા બદલ કાઢવામાં આવેલા બિનજામીનપાત્ર વોરન્ટ પર વચ્ચગાળાનો સ્ટે આપ્યો છે. આ મામલે વધુ્ સુનાવણી સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક સતત ગેરહાજર રહેતાં ટ્રાયલ કોર્ટ દ્વારા બીજીવાર તેની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ કાઢયું હતું. અગાઉ પણ ટ્રાયલ કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ બાદ વિરમગામ પાસેથી પોલીસે હાર્દિકની ધરપકડ કરી હતી, ત્યારબાદ શરતોનું પાલન કરશે તેવી શરત સાથે જામીન આપવામાં આવ્યા હતાં. જોકે ફરીવાર ટ્રાયલ કોર્ટની સુનાવણી દરમિયાન હાજર ન રહેતાં કોર્ટે બીજીવાર બિનજામીનપાત્ર વોરંટ કાઢયું હતું અને જેમાં રાહત મેળવવા હાર્દિક તરફે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.
આ ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા સિદ્ધપુરના ગુનામાં હાર્દિકની ધરપકડ બાદ ત્યાંની સ્થાનિક કોર્ટે જામીન મંજૂર કર્યા હતા ત્યારબાદ ટંકારાની કોર્ટે હાર્દિક વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ કાઢયું હતું. ઉલ્લેખનીય છે કે 2015માં GMDC ગ્રાઉન્ડમાં જાહેર કાર્યક્રમ બાદ અચાનક હિંસા ફાટી નીકળી હતી અને હાર્દિક સહિત કેટલાક પાટીદાર અગ્રણીઓ પર સરકાર દ્વારા રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો.