- ડૉ. બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં સામેલ કરવાની માગ સરકારે ફગાવી
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો OBC, SC, ST મતથી વિરોધ
- ગુજરાત સરકાર સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતા ગણતી નથી
અમદાવાદઃ ડૉ. બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં સામેલ કરવાની માગ ભાજપ સરકારે ફગાવી તેથી દલિત અધિકાર મંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો અડીખમ અને મક્કમતા સાથે OBC, SC, ST મતથી વિરોધ કરાશે તેમ દલિત અધિકાર મંચ ગુજરાત સંયોજક કિરીટ રાઠોડે જણાવ્યું હતું.
શું છે સરકારનો નિર્ણય
આ સમગ્ર મામલે હાલમાં 21/01/2021ના રોજ સેક્શન અધિકારી (પ્રોટોકલ) સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર દ્વારા કિરીટ રાઠોડ સંયોજક દલિત અધિકાર મંચને જવાબ પાઠવ્યો કે, ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓમાં વગેરેમાં રાષ્ટ્રીય નેતાની છબીઓ પ્રદર્શિત કરવા અંગે તા.28/06/1996ના ઠરાવમાં સુધારો કરીને રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબને સ્થાન આપવા બાબતે કાર્યવાહી કરવા અંગે આપે ભલામણ કરેલી છે.
રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવા અંગેની પ્રવર્તમાન સૂચનાઓ યથાવત રાખવાનો નિર્ણય
જે અન્વયે જણાવવાનું કે, સરકારશ્રી દ્વારા સક્રિય વિચારણા અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાની છબીઓ પ્રદર્શિત કરવા અંગેની પ્રવર્તમાન સૂચનાઓ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવેલો હોય આપની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.
સરકાર દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરેલું હોવાથી દલિત સમાજમાં રોષ
ગુજરાત સરકારના મુખ્યપ્રધાનના નિર્ણયથી નારાજગી દર્શાવનાર કિરીટ રાઠોડે જણાવ્યું છે કે, અમે સરકારી નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ અને આ બાબતે ડૉ. બાબાસાહેબ આંબેડકરનુ અપમાન સાખી નહીં લેવાય. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ દલિત સંગઠનો ભાજપ સરકારને મત નહીનું અભિયાન જાહેર કરેલું છે. દલિત સમાજ અડીખમ અને મક્કમતાથી ભાજપ સરકારના નિર્ણયને વખોડી કાઢે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના હળ હળતા અપમાનને સ્થાનિક સ્વરાજ ન ચૂંટણીઓમાં મતની તાકાતથી જરૂર પરચો બતાવશે.