CAA અને NRC બિલના વિરોધમાં શાહઆલમમાં ફાટી નીકળેલા વિરોધ વચ્ચે પ્રદર્શનકારોએ પથ્થરમારો કર્યો હતો જેમાં કેટલાક લોકોની ધરપકડ થઇ હતી. જેને પોલીસે રિમાન્ડ મેળવવા અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતાં. જેમાં કોર્ટે તમામ 13 આરોપીઓને 26 ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કરેલા છે.
રિમાન્ડ મેળવવા રજૂ કરેલા કારણો...
- આરોપીઓના મોબાઈલ ફોનના ડેટાની ચકાસણી કરી આરોપી સાથે કોણ કોણ સંપર્કમાં હતા તે તપાસનો વિષય છે.
- રામોલ, વટવા, ગોમતી પુર, વેજલપુરના અલગ અલગ વિસ્તારમાંથી આરોપીઓએ દહેશત ફેલાવવા લોકોને બોલાવી હિંસક તોફાન કર્યું હતું તે મુદ્દે તપાસ કરવા
- પથ્થરમારા સમયે આટલા બધાં પથારો ક્યાંથી અને કોના દ્વારા આવ્યા તે મુદ્દે તપાસ કરવા
- આ ગુનાના આરોપી સેહઝાદ ખાન કાઉન્સિલર છે અને તેની સાથે બીજા અન્ય કોણ મોટા માથા સામેલ છે કે કેમ તે મુદ્દે તપાસ કરવા
- આ તોફાન પહેલા સોશીયલ મીડીયાના વોટ્સઅપ ગ્રુપ NRC અને CAA કાયદાના વિરુદ્ધમાં અનેક ઉશ્કેરણી જનક પોસ્ટ થયેલ છે તે મુદ્દે તપાસ કરવા
ગુરુવારે રાત્રે 11 કલાકે શહેર કમિશ્નર આશિષ ભાટિયાએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા બાદ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને મળ્યા હતા. રેલીના આયોજક અને સ્થાનિક કોર્પોરેટર શહેજાદ ખાન સહિત 49 લોકો સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઈસનપુર પોલીસ સ્ટેશનના PI જે.એમ સોલંકી દ્વારા અજ્ઞાત ટોળા વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે હાલ 49 લોકોની અટકાયત કરી છે. હિંસાની નોંધ લેતા ગઈકાલે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જડેજાએ તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં હિંસા ફેલાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ હાલ CCTVના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
ગુરુવારે સાંજે બનેલી સમગ્ર ઘટનામાં 12 જેટલા પોલીસ કર્મચારી અને સામાન્ય લોકોને મળીને કુલ 30 લોકો ઈજાગ્રસ્ત પામ્યા હતા. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા વિસ્તારમાં પેટ્રોલિંગ અને 10થી વધુ ટિયરગેસના સેલ છોડયા હતાં.