ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદમાં લેઉવા કરિશ્મા ધર્મેન્દ્ર કુમાર નામની બાળકીએ 97.72 પર્સેન્ટાઇલ અને 83 ટકા મેળવ્યા છે. કરિશ્માએ પોતાના પિતાની છત્રછાયા પાંચ વર્ષ પહેલાં જ ગુમાવી દીધી હતી. તેના પિતાને બ્રેઇન ટ્યુમર હતું, જેના કારણે 2014માં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેણીની માતા એ જ તેનો ઉછેર કર્યો તેને ભણવામાં મદદ કરી અને પૂરતી સહાય કરી હતી અને આજે આટલું સારૂં પરિણામ આવ્યા બાદ કરિશ્મા તેની સફળતાનો બધો શ્રેય તેની માતાને આપ્યો હતો.
કરિશ્માની માતા વર્ષાબેન ધર્મેન્દ્રકુમારએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, પતિને ગુમાવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં પ્રાઇવેટ જોબ કરી, ઓછા પગારમાં કામ કરી બાળકોના ભવિષ્ય માટે તેમણે અથાગ મહેનત કરી હતી અને તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની કાળજી લીધી હતી. પતિ વિના ઘર સંભાળવું મુશ્કેલ હોય છે, ત્યારે બાળકોને ભણાવવું અને આગળ વધારવું તેમના માટે કઠિન રહ્યું હતું. તેમ છતાં તેમણે હાર ન માની હતી અને તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેનો પ્રયત્ન કર્યો હતો. તેમણે અન્ય વાલીઓને પણ મેસેજ આપ્યો હતો કે, કોઈ પણ ભોગે બાળકોને ભણતા ન અટકાવા જોઈએ માટે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ મહેનત કરી બાળકોને ભણાવવા જોઈએ. એક દિવસ બાળકો તમારૂં નામ જરૂર રોશન કરશે.