અમદાવાદઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની (Town planning scheme ) દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે. શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ અને વડોદરાની કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.
આ પણ વાંચોઃ આ જગ્યાએ આવીને કેરી ખાઈને નહીં પણ જોઈને જ ધરાઈ જશો, CMએ મહોત્સવનો કર્યો પ્રારંભ
ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી - ભૂપેન્દ્ર પટેલે 1 પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ, 1 ફાઈનલ સ્કીમ ઉપરાંત 4 ડ્રાફ્ટ સ્કીમ મંજૂર કરી છે. પ્રીલીમનરી સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની(Ahmedabad Municipal Corporation) ટી.પી. સ્કીમ નં 26 (મકરબા) અને ફાઈનલ સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં. 37(દાણીલીમડા નોર્થ)નો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાને વડોદરાની ચાર ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તદઅનુસાર, આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ (1) ટી.પી. સ્કીમ નં. 27/બી(બીલ) (2) ટી.પી. સ્કીમ નં. 27/સી(ચાવડ) (3) ટી.પી. સ્કીમ નં. 24/બી(ભાયલી-ગોકુલપુરા-રાયપુરા) તથા (4) ટી.પી. સ્કીમ નં. 42(કોયલી)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ CM Bhupendra Patel in Palanpur : બસપોર્ટનું લોકાર્પણ થયું, જાણો કેટલા કરોડ ખર્ચાયા
જાહેર સુવિધા માટે જમીન સંપ્રાપ્ત થશે - મુખ્યપ્રધાને આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 1 પ્રીલિમિનરી ટી.પી. સ્કીમ અને વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની 4 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ એમ કુલ પાંચ ટી.પી. સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે 51.84 હેક્ટર્સ જમીન, બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે કુલ 61.52 હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે 52.89 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ આશરે 111.99 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.