- મનપા સંચાલિત શબવાહિનીઓ દૈનિક સરેરાશ 181 ફેરા કરે છે
- કોરોના પહેલા આ સંખ્યા 50- 55 જેટલી હતી
- 1 અઠવાડિયામા મનપા સંચાલિત શબવાહિનીઓએ મારેલા ફેરાની માહિતી
અમદાવાદ : શહેરમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા જે દરે વધી રહી છે, તે ખૂબ જ ચોંકાવનારી છે. ETV ભારતે મનપા સંચાલિત શબવાહિનીઓ એક દિવસમાં કેટલા ફેરા કરે છે, તેની આંકડાકીય માહિતી મેળવી તો આંકડા ખૂબ જ અચરજ પમાડે તેવા હતા. દૈનિક મનપા સંચાલિત શબવાહિનીઓ 181 ફેરા મારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં શબવાહિની લઇ જવા માટે હજી 108 અને ખાનગી વાહનોની શબવાહિનીઓના આંકડા આમાં શામેલ નથી કરવામાં આવ્યા.
આ પણ વાંચો : કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમમાં સંખ્યા વધી
લોકો શબ લઇ જવા 108 અથવા ખાનગી શબવાહિનીઓનો સંપર્ક કરે છે
લોકો શબ લઇ જવા ક્યાંક તો મનપા સંચાલિત શબવાહીનોનો સંપર્ક કરે છે. 108 અથવા ખાનગી શબવાહિનીઓનો સંપર્ક કરે છે. એવામાં મનપા સંચાલિત શબવાહિનીઓ એક દિવસમાં કેટલા ફેરા મારે છે. તે જાણવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યું કે, 21 એપ્રિલે 181, 22 એપ્રિલે 188, 23 એપ્રિલે 187, 24 એપ્રિલે 181, 25 એપ્રિલે 172, 26 એપ્રિલે 175 અને 27 એપ્રિલે 184 ફેરા કર્યા હતા. આ સાતેય દિવસોનું સરેરાશ કાઢવામાં આવે તો આંકડો 181 થાય છે.
કોરોના પહેલા સરેરાશ 50- 55 ફેરા મરાતા હતા
નામ ન આપવાની શરતે મનપાના જ એક અધિકારી જણાવે છે કે, કોરોના પહેલા દૈનિક 50- 55 જેટલા ફેરા માંડ થતા હતા પણ હાલ કોરોનાને કારણે આ આંકડો ત્રણ ગણા કરતા પણ વધુ ઉંચો ગયો છે. અહીં મહત્વનું છે કે, હાલ ઉપરોક્ત જે આંકડા આપવામાં આવ્યા છે તેમા કોરોનાથી મૃત્યુ પામેલા મૃતદેહની સાથોસાથ અન્ય કારણોથી પણ મરેલા મૃતકોને લઇ જવાના ફેરાઓની ગણતરી શામેલ છે પણ કોરોના પહેલા આ આંકડો માત્ર 50ની આસપાસ જ રહેતો હતો.
આ પણ વાંચો : GMDCની ધન્વંતરિ હોસ્પિટલ ખાતે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરાઈ
બિનજરૂરી બહાર ન નીકળી કોરોનાની ચેઇન તોડી શકાશે
કામ વિના બહાર ન નીકળી આપણે પણ નાગરિક તરીકે કેસમાં ઘટાડો લાવવાની ભૂમિકા ભજવી શકીયે છીએ. હાલ જે મુજબ સ્થિતિ બગડી રહી છે તે મુજબ જો કોરોનાની ચેઇન બ્રેક કરવામાં આવે તો કેસમાં ઘટાડો લાવી શકાય. આ માટે આપણે પણ નાગરિક તરીકે કામ વિના બહાર ન નીકળી પોતાનો ભાગ ભજવવાની જરૂર છે.