અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે છારાનગર નાકેથી ઉપેશ અભંગેની લૂંટના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીએ વાડજ વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તથા ડાયમંડની લૂંટ કરી હતી. જે લૂંટ કેસમાં ઉપેશ સહિત ચાર લૂંટારાઓ ભેગા મળીને લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી ઉપેશ લૂંટના મુદામાલ સાથે પોતાના વતન મહારાષ્ટ્રના નંદૂરબાર જતો રહ્યો હતો અને ત્યાર બાદ મુદ્દામાલનો ભાગ પાડવા અમદાવાદ આવ્યો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કુબેરનગરથી આરોપીને ઝડપી લીધો અને 4.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: Budget Session 2023 : ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18,764.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે
બે આંગડિયા પેઢીને ટાર્ગેટ કરાઈ: પકડાયેલા આરોપી ઉપેશ અભંગેની પૂછપરછ કરતા સામે આવ્યું કે, કુબેરનગરના આરોપી વિશાલ તનવાણી અને પ્રતીક પનવેકરે લૂંટના ગુનાને અંજામ આપવા ષડયંત્ર રચ્યું હતું. જેમાં બે આંગડિયા પેઢીને ટાર્ગેટ કરીને 4 દિવસ સુધી રેકી કરી હતી. જે બાદ અમૃતકાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ કર્યા હતા. આ કર્મચારીઓ વાડજ અખબારનગર નજીક સોનલ પાન પાર્લર પાસે ઉભા હતા, ત્યારે કિંમતી દાગીના ભરેલી બેગ ઝૂંટવીને લૂંટારા ફરાર થઈ ગયા હતા.
લૂંટારાઓનો ભાંડો ફૂટ્યો: આરોપીની તપાસમાં સામે આવ્યું કે લૂંટ કરવા માટે ઉપેશને મહારાષ્ટ્રથી અમદાવાદ બોલાવ્યો હતો અને ઓઢવમાં એક મકાન ભાડે રાખીને લૂંટનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં સ્થાનિક આરોપીનું નામ નહિ ખુલે માટે ઉપેશને લૂંટ માટે બોલાવીને કાવતરું ઘડ્યું હતું. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લૂંટારાઓનો ભાંડો ફૂટ્યો અને મુખ્ય આરોપી ઝડપાઇ જતા અન્ય આરોપીના પણ નામ ખુલ્યા છે.
આ પણ વાંચો: H3N2 Virus Cases in Gujarat : રાજ્યમાં નવા H3N2 વાયરસની એન્ટ્રી, 3 કેસો આવ્યાં હોવાનું સ્વીકારતી સરકાર
આરોપી પાસે 95 ટકા મુદ્દામાલ: આરોપી ઉપેશ અભંગે લૂંટ અને ચોરી જેવા ગુના આચરવા મહારાષ્ટ્રથી અમદાવાદ આવતો હતો. જેના વિરુદ્ધમાં અમદાવાદમાં 7 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે. જેમાં નવરંગપુરા અને મહેસાણાની ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. જો કે ઉપેશ સહિતના ચારેય લૂંટારાઓ ભેગા મળીને અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કરીને વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના PI મિતેષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપી મહારાષ્ટ્રથી અમદાવાદ આવ્યો ત્યારે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી 95 ટકા મુદ્દામાલ કબ્જે કરાયો છે અન્ય આરોપીની તપાસ હાથ ધરાઈ છે.