અમદાવાદઃ રાજ્યમાં કાયદો વ્યવસ્થા તો ઠીક, હવે મંદિરો પણ સુરક્ષિત ન રહ્યો હોવાનું લોકો માની રહ્યા છે. સોલા લપકાપણ રોડ પર આવેલા જૈન દેરાસરમાં ગુરુવારે રાત્રે 1 કલાકે સાત જેટલા લૂંટારુ આવી ધાડ પાડી મૂર્તિ, મુગટ અને દાનપેટીમાંથી રોકડ મળી કુલ 64 હજારની મત્તાની લૂંટ કરી જતા રહ્યા હતા.
આ મંદિરમાં રહેલા સિક્યુરિટી ગાર્ડના મોઢે રૂમાલ બાંધી ચાર લૂંટારુએ માર માર્યો અને અન્ય લૂંટારુઓએ ચોરી કરી હતી. દેરાસરમાં CCTV ન હોવાથી રોડ પરના CCTV ફૂટેજ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તાજેતરમાં નરોડા કઠવાડા રોડ પર આવેલા શનિદેવ મંદિરમાં પણ બે તસ્કરો ઘુસી દાનપેટી તોડી ચોરી કરી ભાગી ગયા હતા.
આ ઉપરાંત ઓગણજ ગામે આવેલા સુરમ્ય ફ્લાવર ફ્લેટમાં નાગરભાઇ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. લપકામણ રોડ પર આવેલા પંચ જિનેશ્વર કેવલધામ નામના જૈન દેરાસરમાં છેલ્લા પાંચ વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે રાત્રે રાબેતા મુજબ નાગરભાઇ અને તેમની સાથે અન્ય ત્રણ સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હતા, તે દરમિયાનમાં દેરાસરમાં આવેલા ઘંટમાં રાત્રીનો એક કલાક હોવાથી સિક્યુરિટી ગાર્ડે એક ઘંટ વગાડયો હતો. આ સમયે મોઢા પર રૂમાલ બાંધેલા સાત જેટલા શખ્સો ઓફિસની દીવાલ કુદી દેરાસરના પરિસરમાં પ્રવેશ્યા હતા. નાગરભાઇના મોઢા પર કાળો દુપટ્ટો બાંધી ચાર શખ્સોએ તેમને પકડી રાખ્યા હતા અને અન્ય લૂંટારુઓ દેરાસરમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટનાને લઈને સોલા પોલીસે ગુનો નોંધી આદિવાસી જિલ્લાની ગેંગે અંજામ આપ્યો હોવાની શંકા રાખી તપાસ હાથ ધરી છે.
વધુમાં ચાર શખ્સો નાગરભાઇને મારતા રહ્યા અને અન્ય શખ્સો ઓફિસમાં ઘુસી જઇ કાચની દાનપેટી અન્ય દાનપેટી તોડી નાખી હતી. પંચ ધાતુની નાની ભગવાનની મૂર્તી, પંચ ધાતુનો મુગટ સહિત કુલ 64,500 રુપિયાની ચોરી કરી લૂંટારૂંઓ નાસી છૂટ્યા હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે, દેરાસર પાછળથી લૂંટારૂંઓ આવ્યા હતા ત્યાં ખેતરો હોવાથી સીસીટીવી મેળવવા મુશ્કેલ હોવાનું પોલીસ માની રહી છે.