અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનેગારો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે. બાપુનગર વિસ્તારમાં પીન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયા નામના કુખ્યાત આરોપીઓના આતંકના કારણે લોકો ત્રસ્ત બન્યા છે. આ બંને કુખ્યાત આરોપીઓ પર 10થી વધારે જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તેમ છતાં ખુલ્લેઆમ વિસ્તારના લોકોને બાનમાં લઈને આતંક મચાવવાનું યથાવત છે. બંને કુખ્યાત સામે વધુ બે ફરિયાદ થઈ છે. જેમાં એક ફરિયાદીએ ધાક ધમકી આપવાની જ્યારે બીજા ફરિયાદીએ વાહન સળગાવા મામલે ફરિયાદ નોંધાવી છે.
સ્થાનિક લોકોમાં ભયનો માહોલ: અસામાજિક તત્વો એટલી હદે બેફામ અને છાકટા બન્યા છે કે સ્થાનિક લોકો તેમની વિરુદ્ધ બોલતા પણ ગભરાઈ રહ્યા છે. આરોપી પિન્ટુ અને કુલદીપના બે અલગ અલગ વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં બાપુનગરના જાહેર રસ્તા પર તલવાર વડે લોકોને ધમકાવી રહ્યા છે. જ્યારે બીજા વીડિયોમાં આ જ વિસ્તારની એક હોટલમાં જઈને પોલીસકર્મીઓને જ ધમકાવી રહ્યો છે.
ફરિયાદીને ધાક-ધમકી: સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પીડિત વ્યક્તિ જ્યારે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવે છે. ત્યારે તેમને પણ ધમકી આપવામાં આવે છે. ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓ સીધા વ્યક્તિઓને ડરાવી ધમકાવી હેરાન કરે છે. જેથી અસામાજિક તત્વોની સામે લોકો ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે. આ અંગે ફરિયાદી ગૌતમભાઈએ જણાવ્યું હતું કે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેઓની જેની જોડે અદાવત હોય તેના જોડે જે બેસે તેને ધમકાવે અને ડરાવે છે, મને અને મારા પરિવારને જીવનું જોખમ છે.
ફરિયાદીની ગાડી સળગાવવાનો પ્રયાસ: આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.એમ રાઠવાએ જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા ફરિયાદીની ગાડી સળગાવવાનો પ્રયાસ કરાયો છે, અને આ મામલે ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરાઇ છે.