ખાનગી કોચિંગ સેન્ટરના સંચાલકે નામ ન જાહેર કરવાની શરતે EtvBharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુરતની ઘટના બાદ ફાયર NOC ન મેળવે ત્યાં સુધી તમામ ખાનગી ટ્યુશન કલાસીસને બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે અમે હાલ વિદ્યાર્થીઓનું ભણતર અને સમય ન બગડે તેથી શહેરના વિવિધ ગાર્ડનમાં 300 જેટલા વિદ્યાર્થીઓને બે શિફ્ટમાં તાલીમ આપી રહ્યાં છીએ. જે અમારી પાસેના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સામે 20 ટકા જેટલી જ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સમય અને ગરમીના વાતાવરણને લીધે આવવાનું ટાળી રહ્યા છે. અમદાવાદ શહેરના પાલડી, પરિમલ ગાર્ડન, કાંકરિયા, બાપુનગર, નિકોલ, ઉસ્માનપુરા સહિતના કુલ 8 વિસ્તારમાં આવેલા જાહેર પાર્ક કે ગાર્ડનમાં વિદ્યાર્થીઓને સવારના 6થી 9 અને સાંજે 5થી 7 વચ્ચે કોચિંગ પુરુ પાડી રહ્યાં છે.
અચાનક જ ફાયર NOC વગરના તમામ ટ્યુશન કલાસીસ બંધ કરી દેવાના નિર્ણયથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષા નજીક હોવાથી રિપીટર વિદ્યાર્થીઓને સૌથી મોટો ફટકો પહોંચશે. કારણ કે અત્યારે તેમની પાસે અભ્યાસ માટે કોઈ ટ્યુશન કે કોચિંગ સંસ્થા નથી. સરકારી નોકરીની તૈયારી કરતા વિધાર્થીઓ માટે પણ સમસ્યારૂપ રહેશે. કેટલાક લોકો દ્વારા ફી ભરી દેવામાં આવી હોય છે અને NOC મેળવવામાં જેટલો સમય જશે તેટલા સમય ખાનગી કોચિંગ સંસ્થા બંધ રહેશે. સંચાલકો સાથે વાતચીત કરતાં વધુમાં જણાવા મળ્યું કે વિદ્યાર્થીઓના ભણતરની સાથેસાથે રાજ્યમાં આશરે 1 લાખ જેટલા ખાનગી ટ્યુશન કે કોચિંગ સેન્ટર આવેલા છે તેમાં કામ કરતા લાખો શિક્ષકો કે ફેકલ્ટીના પરિવારજનોને પણ આર્થિક રીતે કેટલીક હદ સુધી ફટકો પહોંચ્યો છે.
કાંકરિયા પાસે આવેલા ગાર્ડનમાં તાલીમ મેળવતી કેસર વર્મા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફાયર NOC વગરના ટ્યુશન કલાસીસ બંધ કરવાનો નિર્ણય આવકારવો જોઈએ, કારણ કે તેમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી સંકળાયેલી છે. જ્યારે શિક્ષકે જણાવ્યું કે ફાયર NOC માટે એક્સટેન્સન આપવામાં આવ્યું હોત તો બધાના હિત જળવાઈ રહેતા.
આ મુદ્દે જ્યારે સ્કુલના સંચાલકો 30મી મેના રોજ ફાયર NOC મેળવવા માટે વધુ સમયની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, ત્યારે તેમણે મુદ્દત આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને સંચાલકોને શાળાના ધાબા ખુલ્લા કરવા અને શેડ દૂર કરવાની વાત કરી હતી. 24 મેના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં આવેલી ખાનગી ટ્યુશન કલાસમાં આગ ફાટી નીકળતાં 22 વિધાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ તંત્ર હરકતમાં આવતાં રાજ્યમાં ફાયર NOCની સુવિધા વગરના તમામ ટ્યુશન કલાસને તાત્કાલીક ધોરણે બંધ કરી દેવાયા છે.
અમદાવાદથી રિપોર્ટર આકીબ છીપાનો વિશેષ અહેવાલ