અમદાવાદ : TATA IPL 2023ની એક બાદ એક શાનદાર મેચ યોજાઇ રહી છે. મોટાભાગના લોકો સ્ટેડિયમમાં જઈને મેચ જોવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. લોકો મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે ટી-શર્ટ, ટોપી અલગ અલગ બેનર લઈને પોતાની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પહોંચી જાય છે. ત્યારે ટીશર્ટ અને ટોપીનું વેચાણ કરનાર લોકો પણ સ્ટેડિયમની બહાર બે દિવસથી પહેલા જ પહોંચીને વેચાણ શરૂ કરી દે છે.
સ્ટેડિયમની બહાર વેપારી : ટી-શર્ટનું વેચાણ કરનાર વેપારી રાજેશે જણાવ્યું હતું કે, હું આવતીકાલે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ પહેલા અહીંયા ટી-શર્ટ અને ટોપીનું વેચાણ કરવા માટે આવ્યો છું. આ પહેલા લખનઉ, જયપુર, મુંબઈ, બેંગ્લોરમાં જઈને ટી-શર્ટનું વેચાણ કર્યું છે. પરંતુ લખનઉ, રાજસ્થાન અને ગુજરાતની ટી-શર્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં વહેંચાઈ રહી છે. જો ખેલાડીની વાત કરવામાં આવે તો સૌથી વધુ મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, અને હાર્દિક પંડ્યાની ટીશર્ટની માંગ વધારે જોવા મળી રહી છે.
ખોટ અને નફો બંને થાય : વધુમાં જણાવ્યું હતું કે, અમે આ તમામ ટી-શર્ટ અને ટોપી મુંબઈથી જ લાવીએ છીએ. એક સાથે 500 ટી-શર્ટ લઈને અલગ અલગ શહેરોમાં ફરતા હોય છીએ, પરંતુ આમાં ઘણી વખત નફો તો ઘણી વખત ખોટ પણ જોવા મળે છે. કારણ કે, જેટલી ટોપી કે ટી-શર્ટ લીધી હોય છે તેમાંથી ટોપી વેપારી પરત લેતા નથી. પરંતુ ટી-શર્ટ પરત લઈ લે છે. તેનો મુખ્ય કારણ હોય તો તે છે ટી-શર્ટ હંમેશા પેકિંગમાં હોવાથી ટી-શર્ટ લઈને સામે બીજી કોઈ મેચ રમાતી હોય તેની ટી-શર્ટ આપે છે. જેના કારણે ટોપીમાં અમારે મોટું નુકસાન વેઠવું પડે છે.
આ પણ વાંચો : Tim David Tilak Varma video: રાજસ્થાન રોયલ્સ સામે મેચ જીત્યા બાદ ટિમ ડેવિડે ખોલ્યું રહસ્ય, જુઓ વીડિયો
ફિક્સ ભાવ : ટી-શર્ટ અને ટોપીના વિતરણની વાત કરવામાં આવે તો, મેચના બે-ત્રણ દિવસ પહેલા જ અમે સ્ટેડિયમને પહોંચી જઈએ છીએ. તે દિવસે રોજની અંદાજે 50 જેટલી ટી-શર્ટ અને ટોપીનું વેચાણ થાય છે. જ્યારે મેચના દિવસે જ સૌથી વધુ 100-150 ટી-શર્ટ અને ટોપીનું વેચાણ થતું હોય છે. જો તેની કિંમતની વાત કરવામાં આવે તો ટી-શર્ટની અને ટોપીની કિંમત ફિક્સ કિંમત રાખવામાં આવે છે. જેમાં ટી-શર્ટ 200 રૂપિયા અને ટોપીને 100 રૂપિયા રાખવામાં આવે છે. અહીંયા મેચ પૂર્ણ થતા અમે બીજા શહેરમાં જઈએ છીએ. ત્યાં જઈને પણ આ જ પ્રમાણે ટી-શર્ટનું વિતરણ કરતા હોય છીએ.