અમદાવાદ: અમેરિકા જવા માટેનું ઘેલું હજુ પણ અનેક લોકોમાં જોવા મળી રહ્યું છે. અનેક કબૂતરબાજીના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, છતાં પણ યેનકેન પ્રકારે અમેરિકા પહોંચવા માટે અમુક લોકો હજુ પણ તલપાપડ હોય તેવું સામે વારંવાર આવી રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પાંચ મુસાફરોને પાસપોર્ટ સાથે છેડછાડ કરવા મામલે ઈમિગ્રેશન વિભાગે ઝડપીને એરપોર્ટ પોલીસને સોંપતા મામલાની તપાસ SOG એ કરતા અનેક ખુલાસા થયા છે.
પાસપોર્ટ સાથે છેડછાડ: 29મી જાન્યુઆરી 2023ના રોજ સવારે 3:30 વાગે અમદાવાદથી નૈરોબી કેન્યા જતી ફ્લાઈટના મુસાફરો એરપોર્ટ પર અંદર જઈ રહ્યા હતા. તે સમયે ઇમિગ્રેશન વિભાગના અધિકારી ઉમેશ દેશમુખને જાણ થઈ હતી કે કેટલાક મુસાફરો પોતાના પાસપોર્ટમાં પાના ફાડીને તેની સાથે છેડછાડ કરી છે. જેથી તેઓએ ચેક કરતા કુલ 5 લોકોએ પોતાના પાસપોર્ટમાં પાના ફાડી નાખ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી આ સમગ્ર મામલે ઈમિગ્રેશન વિભાગે શંકાના આધારે તરત જ તમામ મુસાફરોની અટકાયત કરીને એરપોર્ટ પોલીસને જાણ કરી એરપોર્ટ પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે ગુનો દાખલ થતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આરોપીઓને ઝડપી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: કબૂતરબાજી : ગેરકાયદેસર વિદેશ મોકલતાં એજન્ટોના નામ ખુલ્યા, હજુ નવા કનેક્શન ખુલવાની ધારણા
ગુનાયા કન્ટ્રીના સ્ટેમ્પ લાગેલા પાના ફાડી નાખ્યા: આ મામલે હરિયાણાના અમન રોડ, રોનક જાટ, સિકંદર રોડ, શીબ રોડ અને અંકુશ રોડની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓની તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓને સહેલાઇથી અમેરિકા જવું હોવાથી હરિયાણાના બલ્લી સમધ્યાન નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. જે એજન્ટે આરોપીઓને અમેરિકા જવું હોય તો પહેલા બીજી નાની કન્ટ્રીમાં ટુરીસ્ટ વિઝા મેળવી ત્યાં જવું પડશે, તેમ કહી ટુરીસ્ટ વિઝા બનાવી આપ્યા હતા. આરોપીઓના પાસપોર્ટમાં ગુયાના દેશના સ્ટેમ્પ લાગેલા હતા. ત્યારબાદ એજન્ટ બલ્લીએ આ તમામ લોકોને કેન્યાના વિઝા કરાવી આપ્યા હતા, ત્યાં જવા માટે નીકળે તે પહેલા જ તેઓ ઝડપાઇ ગયા. કેન્યા જવા માટે ગુનાયા કન્ટ્રીના વિઝા સ્ટેમ્પ લાગેલા હોય તો જવા ન મળે તેવું એજન્ટે કહેતા પાસપોર્ટમાંથી ગુનાયા કન્ટ્રીના સ્ટેમ્પ લાગેલા પાના આરોપીઓના પાસપોર્ટમાંથી ફાડી નાખ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.
આ પણ વાંચો: પરદેશ જવા પાસપોર્ટની પડાપડી, અમદાવાદમાં પાસપોર્ટની અરજીઓ બે વર્ષમાં થઈ બમણી
પાંચેય યુવક અને એજન્ટ વિરુદ્ધ ગુનો: આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એસીપી એન.એલ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીઓએ અમેરિકા જવા માટે એજન્ટના કહેવાથી આ રીતે પાસપોર્ટમાં ચેડાં કર્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ મામલે એજન્ટ પકડાયા બાદ વધુ ખુલાસાઓ સામે આવશે. આરોપીઓએ આ કામ માટે એજન્ટને કેટલા રૂપિયા આપ્યા, અને એજન્ટે કેટલા લોકોને આ રીતે કેન્યા મોકલી આપ્યા છે અને અમેરિકા મોકલવા માટે આ રીતનું કાવતરૂ અન્ય કેટલા એજન્ટ કરી રહ્યા છે તેવી દિશાઓમાં SOGએ તપાસ શરૂ કરી છે.