અમદાવાદઃ શહેરના મણિનગર ખાતે આવેલી તામિલ હાઇસ્કૂલને લઇને છેલ્લાં પખવાડિયાથી ચાલી રહેલા વિવાદ અંગે તમિલનાડુના CMએ લખેલા પત્ર બાદ છેવટે રાજ્યના શિક્ષણપ્રધાન ચુડાસમાએ ખુલાસો કરવો પડ્યો છે. શિક્ષણપ્રધાને જણાવ્યું કે, તમિલ શાળાના વર્ગો બંધ થયા છે, શાળાની માન્યતા ચાલુ છે. તમિલ શાળા બંધ કરવા સામે વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પખવાડિયાથી લડત ચલાવવામાં આવી રહી છે.
આ મુદ્દાના પ્રત્યાઘાત છેક તામિલનાડુ સરકાર સુધી પડ્યા છે. તામિલનાડુના CMએ ગુજરાતના મુખ્યપ્રધાનને પત્ર લખીને તામિલ શાળાને ચાલુ રાખવા CM રૂપાણીને વિનંતી કરી છે. તે માટેનો ખર્ચ પણ તેમને ઉઠાવવાનું જણાવ્યું છે. આમ તામિલનાડુના CMએ પત્ર બાદ શુક્રવારે રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટતા કરી છે.
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, અમદાવાદની મણિનગરની તામિલ હાઇસ્કૂલના વર્ગો છેલ્લા કેટલાય સમયથી બંધ થયા છે. શાળાની માન્યતા ચાલુ છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે 84, 66 અને 59 હતી. જે ઘટીને 31 થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ શાળામાં છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2016થી દર વર્ષે ઘટાડો નોંધાતો ગયો છે. જેમાં અનુક્રમે 84, 66 અને 59 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે ઘટીને આજે 31ની સંખ્યા થઇ છે. અત્યારે વર્ગો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. શાળાની માન્યતા તો હાલ ચાલુ છે. આ શાળામાં બે શિક્ષક અને એક સેવક ફરજ બજાવે છે.
તામિલ શાળામાં 27 ફેબ્રુઆરી 2020ના રોજ ધોરણ 9થી 12ના તમામ વર્ગોમાં વિદ્યાર્થીની સંખ્યા 35 હતી. તે સંદર્ભે શિક્ષણ વિભાગે 8 માર્ચ 2011ના ઠરાવ મુજબ વર્ગદીઠ સરાસરી હાજરી 36 જળવાતી ન હોવાથી ધોરણ 9થી 12ના તમામ વર્ગો બંધ કરવાના આદેશ કર્યા હતા. આમ જોવા જઇએ તો માત્ર વિદ્યાર્થીઓ ખૂટે છે. આ સમયગાળા દરમિયાન કોવિડ 19ના કારણે યથાવત પરિસ્થિતિ જળવાઇ રહી હતી. જેને ધ્યાનમાં લઇને વિદ્યાર્થી સંખ્યા વધારવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું.
જે બાદ 25 ફેબ્રુઆરીના રોજ કમિશનર ઓફ સ્કૂલ્સની કચેરીએ પુનઃ સુનાવણી તારીખ 17 જુલાઇના રોજ કરી હતી, પરંતુ ધોરણ 9થી 12ની કુલ વિદ્યાર્થી સંખ્યા 31 હોવાથી શાળાના તમામ વર્ગો બંધ કરવા નિયમાનુસાર નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, તામિલ શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં એક માત્ર શાળા છે. તેમની પાસે અન્ય બીજો કોઇ વિકલ્પ નથી. આ શાળા બંધ કરવાની તેમની શૈક્ષણિક કારર્કિદી જોખમમાં મૂકાશે. જેથી આ શાળા ચાલુ રાખવા માટે વાલીઓએ માંગણી કરી છે. જ્યારે સરકાર 36 બાળકો આવશ્યક છે, તેવું કહેતી હોય તો વાલીઓની માગ છે તેમને થોડો સમય ફાળવવામાં આવે જેથી બાળકોની સંખ્યા પૂરતી કરવામાં તેમને પણ તેમને મદદ કરી શકે છે.