અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધા પ્રવાસીઓ માટે પરેશાનીમુક્ત પ્રવાસ માટે નવી પહેલ સમાન છે. એસવીપીઆઈના ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુસાફરોના સીમલેસ અનુભવને સુનિશ્ચિત કરવા આ પેસેન્જર-ફ્રેન્ડલી પહેલ કરવામાં આવી છે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ - ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે.
વેઇટિંગ ઘટશે : SBD સુવિધા બેગેજ ડ્રોપ-ઓફના વેઈટીંગમાં ઘટાડો કરશે. તે દર મિનિટે ત્રણ જેટલા પ્રવાસીને સગવડ પૂરી પાડવાની સાથે ઝડપી અને ઝંઝટ-મુક્ત ચેક ઇન કરવાનો અનુભવ કરાવશે. અમદાવાદ એરપોર્ટે બે સેલ્ફ - બેગેજ ડ્રોપ મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે જેનાથી મુસાફરો ઓટોમેટેડ સિસ્ટમની મદદથી ચેક - ઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
કઇ રીતે કરશે કામ : એસબીડી સેવાનો ઉપયોગ કરતા પહેલા પ્રવાસીએ સેલ્ફ-ચેક-ઇન કિઓસ્ક પર તેમના બોર્ડિંગ પાસ અને બેગેજ ટેગ જનરેટ કરવાના રહેશે. ચેક-ઇન સામાનને ટેગ કર્યા પછી પ્રવાસી SBD સુવિધા પર આગળ વધી શકે છે, જ્યાં તેમના બોર્ડિંગ પાસને સ્કેન કરવામાં આવશે. જો બેગમાં કાંઈ વાંધાજનક સામાન ન હોય તો તે આપોઆપ સોર્ટીંગ એરીયામાં સ્થાનાંતરિત થઈ જશે અને રસીદ જનરેટ કરશે.
હાલ ફક્ત ઇન્ડિગો પ્રવાસીઓને લાભ : હાલમાં ઈન્ડિગોના પ્રવાસીઓ માટે ડોમેસ્ટિક ટર્મિનલ T-1ના ડિપાર્ચર ચેક-ઈન હોલમાં SBD સુવિધા ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તે અન્ય એરલાઇન્સમાં પણ લાવવામાં આવી શકે છે.
આ સુવિધા મેળવવાના સ્ટેપ્સ : સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો ઉપયોગ કરવા માટે કેટલાક પગલાં અનુસરવાના છે. જેમકે 1. સેલ્ફ ચેક-ઇન કિઓસ્ક પર બોર્ડિંગ પાસ અને બેગેજ ટેગ્સ જનરેટ કરો. ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરીને સંબંધિત વિગતો દાખલ કરો. 2. તમારો બોર્ડિંગ પાસ અને સામાન ટેગ થઈ જાય પછી SBD કાઉન્ટર પર આગળ વધો. અહીંના સ્કેનર પર બોર્ડિંગ પાસ સ્કેન કરવો આવશ્યક છે. 3. તમારા સામાન સાથે ટેગ સુરક્ષિત રીતે જોડો. ખાતરી કરો કે ટેગ દેખાતો હોય અને જરૂરી માહિતી સાથે ચિહ્નિત થયેલો હોય. જો તમારી પાસે નાજુક બેગ હોય, તો તેને મશીનની નજીકના સામાનના ટબમાં મૂકો. SBD સુવિધા પહેલાંથી જ ટબના વજનને માપાંકિત કરી ચૂકી છે, તેથી વજનની ચિંતા કરવાની જરૂર નથી. 4. પ્રવાસીઓની સલામતીને સુનિશ્ચિત કરવા આવશ્યક સુરક્ષા માપદંડ તરીકે તમારો સામાન પ્રતિબંધિત અથવા ખતરનાક વસ્તુઓથી મુક્ત હોવાનું જાહેર કરો. 5. સૂચનાઓ અને માર્ગદર્શિકા અનુસરી તમારા સામાનને નિયુક્ત બેલ્ટ પર લોડ કરો. 6. આ પગલાંઓ અનુસર્યા બાદ એક રસીદ જનરેટ થશે જે SBD મશીનમાંથી લેવાની જરૂર પડે છે.
શું છે એસબીડી સેવા : સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમ એક અત્યાધુનિક ટેક્નોલોજી છે જે સીમલેસ પેસેન્જર અનુભવને સુનિશ્ચિત કરી સમય બચાવે છે. અમદાવાદ એરપોર્ટ મુસાફરોના અનુભવને સુધારવાની સાથે સુવિધાઓ અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા સમર્પિત છે. સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાની શરૂઆત સાથે અમદાવાદ એરપોર્ટ નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.