અમદાવાદમાં બાળકીની કોમ્પ્લેક્ષ બ્લેડર એસ્ટોફીની સફળ સર્જરી
બિહારમાં મજુરી કરનાર દંપતીની 12 વર્ષની બાળકીનો કોમ્પ્લેક્ષ બ્લેડર એસ્ટોફીનો કેસ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. આ બાળકીને જન્મથી જ પેશાબની કોથળી પેટ પર હતી. 50 હજાર બાળકો પૈકી એક બાળકને આ પ્રકારની તકલીફ હોય છે. આ પ્રકારના કેસમાં 3 મહિનાથી 6 વર્ષના સમય સુધી ઓપરેશન કરીને તકલીફ દુર કરવામાં આવે છે. પરંતુ આ કેસમાં બિહારમાં સામાજિક કારણોને લીધે નાનપણમાં બાળકીની સર્જરી કરવામાં આવી ન હતી. બાળકી 12 વર્ષની થઈ ત્યારબાદ તેની તકલીફ વધતા બિહારની હોસ્પિટલમાં બતાવવામાં આવ્યું હતું, જ્યાં સારવાર થઈ ન શકવાના કારણે બાળકીના માતા-પિતા જોધપુર ખાતેની AIIMS હોસ્પિટલમાં ગયા હતા.
જોધપુર AIIMS હોસ્પિટલમાં સારવાર કરવામાં સમય લાગે તેમ હતું. ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ જવામાં આવી હતી. જ્યાં 6થી 7 લાખ રૂપિયાનો ખર્ચો થાય તેવું હતું. ત્યારબાદ બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તપાસ કરીને 6 જુલાઈએ બાળકીની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળકીની ઉંમર મોટી હોવાથી આ સર્જરી સિવિલ હોસ્પિટલ માટે પણ પડકાર રૂપ હતી. પરંતુ પીડીયાટ્રીક અને ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાતોએ આ સર્જરી શરૂ કરી જે સફળ સાબિત થઈ હતી.
બાળકીની ઉંમર તથા પેટ નીચેની કોથળીમાં આવેલા 2 હાડકા વચ્ચે 10 સેમીની જગ્યા ડૉક્ટર માટે પડકાર હતી. જેમાં 10 સેમીની જગ્યા દુર કરવા હાડકું તોડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ 7 કલાક સુધી સર્જરી ચાલી હતી, જે સફળ નીવડી હતી. આ સારવાર સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી.