બાળકોને શાળાએ લઈ જતી અને મુકી જતી વાનમાં ડ્રાઈવર દ્વારા કેપેસીટી કરતા વધારે વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે. જેને કારણે અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે. આવો જ કિસ્સો અમદાવાદના નિકોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં ચાલુ સ્કૂલવાનમાંથી 3 બાળકો નીચે પડી ગયા હતા. તેમાંથી એક વિદ્યાર્થીનીને ગંભીર ઇજા પહોંચી છે.
પંચામૃત શાળાની 1 વાન બગડતાં બીજી વાનમાં ખીચોખીચ 22 બાળકો ભરવામાં આવ્યા હતા. જેને કારણે વાનનો દરવાજો સરખી રીતે બંધ ન થતા દુર્ઘટના સર્જાઈ હતી. શાળા સત્તાધીશોની ઘોર બેદરકારી આવી દુર્ઘટના સામે આવી છે. બાળકોને ઘરે મુકવા જતાં સોસાયટીના વળાંક આગળ ભયજનક ઝડપે વાને વળાંક લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક બાળક ગુમ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. આ મામલે તંત્ર દ્વારા વાનચાલક અને શાળા સામે શું પગલા લેવામાં આવશે તે સવાલ છે ?