• પાટડી નગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરનારા સામે લાલ આંખ કરી
• બાકીવેરા, ભાડૂઆત અને ભુતીયા નળ જોડાણ લેનારા સામે તંત્રની કાર્યવાહી
• 10,157 મિલકત ધારકોને બિલ આપી વેરા વસૂલાત કાર્યવાહી હાથ ધરાઇ
વિરમગામ: પાટડી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મિલકત ધારકોમાં વેરો નહીં ભરનારા અને ગેરકાયદેસર નળ જોડાણ લેનાર સહિતના બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરનાર સામે કડક કાર્યવાહી
પાટડી નગરપાલિકા દ્રારા ચીફ ઓફીસ રાજુભાઈ શેખ તથા પ્રમુખ સુરેખાબેન પટેલની સૂચનાથી નગરપાલિકાની વેરાશાખા દ્વારા વિવિધ છ ટીમો બનાવી નગરપાલિકા વિસ્તારના ૧૦,૬૫૭ મિલકત ધારકોને વિવિધ વેરા અંગેના માંગણાબિલોની બજવણી કરવામાં આવી છે. ૧૫ દિવસમાં વેરો ભરી જવા સૂચના આપવામાં આવી છે . આગામી સમયમાં જે લોકોના વેરા બાકી હશે તેઓની સામે કડક કાર્યવાહી કરી બાકીદારોના પાણી કનેકશન કાપી મિલ્કત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ નગ૨ પાલિકાના ટેક્ષ ઈન્સપેકટર નિરવ સુથાર દ્વારા કહેવામાં આવ્યુ છે.
100થી વધુ દુકાનદારોને બાકી ભાડા અંગેની નોટીસ ફટકારાઈ
આ ઉપરાંત નગ૨પાલિકા દ્રારા નગ૨પાલિકાની માલિકીના ચંદ્રશેખર આઝાદ કોમ્પલેક્ષ, સ્વામિ વિવેકાનંદ કોમ્પલેક્ષ વિર ભગતસિંહ કોમ્પલેક્ષ, મહારાણા પ્રતાપ કોમ્પલેક્ષ અને છત્રપતિ શિવાજી કોમ્પલેક્ષના બાકી ૧00થી વધુ દુકાનદારોને બાકી દુકાન ભાડુ ભરી જવા નોટીસ આપવામાં આવેલી છે. જે દુકાનદારો 7 દિવસમાં બાકી દુકાનભાડું નહી ભરે તેઓની મિલ્કતનો કબજો નગર પાલિકા દ્રારા પરત લેવામાં આવશે. મિલકત વેરો નહિ ભરનાર ગેરકાયદેસર નળ જોડાણ લેનાર સહિતના બાકીદારો સામે પાટડી નગરપાલિકાએ નોટિસ ફટકારી લાલ આંખ કરી છે.