અમદાવાદ : અરવલ્લીના પહાડી વિસ્તારમાં આવેલ શક્તિપીઠ જ્યાં લોકોની આસ્થા સાથે સંકળાયેલ અંબાજીમાં લાખો લોકો દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અંબાજી ચાલતા જતા હોય છે. જેને લઈને ગુજરાત સરકારના એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. આ વખતે પણ 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી અંદાજિત 1,000 જેટલી બસનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દર વર્ષે હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે. જેની અંદર સમગ્ર લોકો આ મેળાનો આનંદ માણતા હોય છે. ગત વર્ષે 600 જેટલી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું અને જેમાં 11 લાખ જેટલા લોકોએ મુસાફરીનો લાભ લીધો હતો. ચાલુ વર્ષે મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને 1,000 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત અંબાજીથી ગબ્બર સુધી જવા માટે પણ દર અડધા કલાકે મીની બસનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત દાતાથી અંબાજી જવા માટે પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. - ડે. ચીફ લેબર ઓફિસર, દિનેશ નાયક
દર વર્ષે 3 મેળા ભરાય છે : ગુજરાતમા શ્રાવણ માસ પૂર્ણ થતાં જ અંબાજી પર્વ શરૂ થાય છે. ઉતર ગુજરાતની અરવલ્લી પહાડીઓમાં આવેલ અંબાજી શક્તિપીઠ અંબાજી માં માત્ર ગુજરાત જ નહીં પંરતુ સમગ્ર દેશમાં લોકો અહિયાં દર્શન માટે આવે છે. અંબાજીમાં દર વર્ષે 2 થી 3 મેળાઓ ભરાય છે.અને મેળામાં ભવાઈ ભજવવામાં આવે છે. અંબાજીની માન્યતા નાગર સંસ્કારી કોમમાં ઘણી હોવાથી આ ભવાઈનો રિવાજ હજીયે ચાલુ છે.
અંબાજીનો મહિમા જાણો : સમગ્ર રાજ્યના લોકો પગપાળા ચાલી અંબાજી આવતા હોય છે. ભાદરવી પૂનમની પદયાત્રાની શરુઆત 170 વર્ષ પહેલા થઇ હતી. ઉતર ગુજરાતના પાટણમાં શિહોરીના રાજમાતાના કુંવર ભિમસિંગજીને પંચાવન વર્ષ થયા હોવા છતા પણ સંતાનીની ખોટ હતી. રાજમાતાએ એક દિવસે રામસીંગ રાયકાજી નામના ભુવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને એના આર્શીવાદ થકી તેમને પારણું બંધાશે. ત્યારબાદ ભિમસિંગ બાપુને ત્યાં પુત્રનો જન્મ થયો, તેમને ત્યાં પારણું બંધાતા તેઓએ 57 વર્ષે અંબાજી ખાતે યજ્ઞ કરવા અને 51 ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો સાથે 1841ની ભાદરવી સુદ 10ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. આમ પ્રથમ વખત ભીમસિંગ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણો તેમજ આગામી 5 વર્ષ સુધી પગપાળા અંબાજી જવાની માનતા રાખી, ત્યારબાદ થી આ પરંપરા ચાલી આવે છે. આજ અંબાજીમાં નાના-મોટા 1600 જેટલા સંઘો દર વર્ષે ચાલતા જાય છે.