અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટમાં રજૂઆત કરી હતી કે, ગુજરાત મેડિકલ પ્રોફેશનલ એજ્યુકેશનલ કોલેજ ઓફ ઈન્સટીટ્યુશન એક્ટ 2007 મુજબ રાજ્ય સરકાર ખાનગી કોલેજને ભંડોળ, 5 વર્ષ સુધીનો વીજળીનો બિલ સહિતની સુવિધા સાથે ગ્રાન્ટ ઈન કોલેજમાં 75 ટકા બેઠકો આર્થિક રીતે નબળા અને મધ્ય વર્ગના વિધાર્થીઓ પ્રવેશ લઈ શકે માટે રિઝનેબલ ફીઝ નક્કી કરી હતી. જો કે, નિયમોને નેવે મુકીને અર્ધ સરકારી કોલેજની સરકારી બેઠકમાં અધધ ફી ઉઘરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અરજદારનો આક્ષેપ છે કે, સામાન્ય રીતે સરકારી કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે 25 હજાર જેટલી ફી વસુલવામાં આવે છે, પરંતુ તેની સામે સરકારની સહાય મળતી હોવા છતાં ગ્રાન્ટ ઈન એડ કોલેજની સરકારી ક્વોટાની બેઠક પર અધધ આશરે 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ વસુલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સરકાર ગ્રાન્ટ ઈન એડ મેડિકલ કોલેજને એક સરકારી બેઠક પાછળ વર્ષે આશરે 7 લાખ રૂપિયાની સહાય કરે છે તેમ છતાં આટલી બધી ફીઝ વસુલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કુલ 25 મેડિકલ કોલેજ આવેલી છે જે પૈકી 5 ખાનગી મેડિકલ કોલેજ છે. બંધારણના સમાનતાના આધારે મધ્યવર્ગના પરીવારોને સરકારી ભંડળથી ચાલતી અર્ધ સરકારી મેડિકલ કોલેજનો લાભ મળવો જોઈએ, પરંતુ ફી રેગ્યુલેટરી કમિટિને ફીઝ નક્કી કરવાની છુટને આધારે ગ્રાન્ટ ઈન મેડિકલ કોલેજમાં લાખો રૂપિયા ફી ઉઘરાવતી હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો.