સુરત: જો તમે સીમકાર્ડ ખરીદવા માટે જઈ રહ્યા છો તો સુરતની આ ઘટના અંગે ચોક્કસથી જાણી લેજો. કારણ કે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ત્રણ આવા લોકોની ધરપકડ કરી છે કે જેઓ સીમકાર્ડ ખરીદનાર ગ્રાહકની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિના ફોટા અપલોડ કરી દેતા હતા અને ત્યારબાદ તે સીમકાર્ડ એક્ટિવેટ કરતા હતા. આ અંગેની અનેક ફરિયાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરને મળી હતી. પોલીસ કમિશનરે આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ અંગે જણાવ્યું હતું.
અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી: આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસ સાઇબર ક્રાઇમની પણ મદદ લીધી હતી અને બંને બ્રાન્ચના અધિકારીઓની અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી અને ઘટનાની તપાસ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપી વિરુદ્ધ સુરતના વરાછા લિંબાયત અને સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા છે.
9 જેટલા નામની ફ્રેન્ચાઇઝી: એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ. પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તપાસના આદેશ બાદ સમગ્ર મામલે તપાસ કરવામાં આવ્યો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક 35 વર્ષીય દીક્ષિત ગજેરાએ 9 જેટલા નામની ફ્રેન્ચાઇઝીથી 5461 વોડાફોન કંપનીના સીમકાર્ડ ગ્રાહકની જગ્યાએ અન્ય વ્યક્તિનો ફોટો લગાવી એક્ટિવેટ કરી વેચાણ કર્યો છે.
આ પણ વાંચો Junagadh Crime : ચોક્કા છક્કાની રમઝટ વચ્ચે સટ્ટોડીયાઓની પોલીસે પાડી દીધી વિકેટ
પોતાના ભાઈનો ફોટો અપલોડ કરી સિમ કાર્ડ એક્ટિવેટ કર્યું: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દીક્ષિતની જેમ જ 28 વર્ષીય સાગર પાર્ટીલે પણ હનુમાન મોબાઈલના નામે પોતાના જ ફોટો અપલોડ કરી અલગ અલગ વ્યક્તિના નામે કુલ 27 વોડાફોન કંપનીના સીમકાર્ડ વેચાણ કર્યા છે. ત્રીજા આરોપી 29 વર્ષીય પ્રદીપ રામાવતએ બે મોબાઈલ ફ્રેન્ચાઇઝીના નામથી પોતાના ભાઈનો ફોટો અપલોડ કરીએ અલગ અલગ વ્યક્તિના નામે કુલ 63 વોડાફોન, જીઓ સહિત એરટેલ કંપનીના સીમકાર્ડનું વેચાણ કર્યો છે. આ ત્રણેય વિરુદ્ધ શહેરના ત્રણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.