અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ તેમના નિવાસસ્થાને જ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા, પરંતુ તબીબોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપતા આજે સવારે તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
- પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ
- PM મોદીએ ફોન દ્વારા ખબર-અંતર પૂછ્યા હતા
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને છેલ્લા 4 દિવસથી 102 તાવ રહેતો હોવાના કારણે ગયા શુક્રવારે તેમનો કોરોના ટેસ્ટ કરવવામાં આવ્યો હતા. જેમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શંકરસિંહ બાપુ તેમના ગાંધીનગર સ્થિત આવેલા નિવાસસ્થાન ‘વસંત વગડા’માં હોમ ક્વોરેન્ટાઈન થયા હતા.
મળતી માહિતી પ્રમાણે, તેમને 102 તાવ રહેતો હોવાના કારણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના નિવાસસ્થાનમાં જ ખાનગી ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે, તબીબોની સલાહને અનુસરીને તેઓ આજે રવિવારે સવારે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા છે.
નોંધનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં જ નેશનલ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. શંકરસિંહના કોરોના રિપોર્ટના સમાચાર મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટેલિફોન કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.