અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હોય તેવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકેના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે તે પહેલા શક્તિસિંહ ગોહિલે અમદાવાદમાં ગાંધી આશ્રમથી લઈને રાજીવ ગાંધી ભવન સુધી એક પદયાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો જોડાયા હતા.
કાર્યકરોમાં ઉત્સાહ: મહત્વનું છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના તમામ પદ અધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યા હતા. તેવામાં કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવાની જવાબદારી સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલને આપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ હાલ રાજ્યસભાના સાંસદ પણ હોય ત્યારે તેઓ હવે રાજ્યસભા સાંસદની સાથોસાથ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવશે. મહત્વનું છે કે થોડાક જ મહિનાઓમાં લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી હોય તેવામાં કોંગ્રેસને નવું નેતૃત્વ મળતા કોંગ્રેસના કાર્યકરોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
'મહાત્મા ગાંધીના ચરણોમા શીશ જુકાવી આવતીકાલે પદગ્રહણ કરીશ. આવતીકાલે રાહુલ ગાંધીના જન્મદિવસના રોજ પદગ્રહણ કરવામાં આવશે. કાર્યભાર જગદીશ ઠાકોર પાસેથી લઇ ને ચાર્જ સાંભળીને જગન્નાથ મંદિર જઈશું. સત્યનો સાથ અને સમર્થન લોકોએ બાપુને આપ્યું હતું એટલે જ હું મારી તાકાત નહિ પણ મહાત્મા ગાંધીના આશિર્વાદ અને તમામ ગુજરાતીના આશીર્વાદ સાથે આગળ ચાલીશ. સત્તા પાડવા માટે કોઈ સંઘર્ષ નથી કરવો પણ પ્રજાના આશીર્વાદ લઇશું.' -શક્તિસિંહ ગોહિલ, નેતા, કોંગ્રેસ
સિનિયર નેતાઓ ઉપસ્થિત: અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા હતા, ત્યાં કોંગ્રેસના સિનિયર નેતાઓ જેમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોને સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમ ખાતે રામધૂન બોલાવી હતી અને જે બાદ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પોતાની પદયાત્રા શરૂ કરી હતી. જે પદયાત્રા માં અલગ અલગ જગ્યા ઉપર શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના સમર્થકો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંતે રાજીવ ગાંધી ભવન ખાતે પદયાત્રા પૂર્ણ કરી હતી.