અમદાવાદઃ બાંગ્લાદેશમાં બગેરહાટ જિલ્લાના ફકીરહટ થાના વિસ્તારમાં સાત સોયા ગામમાં 17 વર્ષીય રીહાના (નામ બદલેલ છે) માતા પિતા સાથે રહેતી હતી હતી. તેણીના પિતાનું અવસાન થતા માતાએ બીજા લગ્ન કર્યા હતા. તેની ફોઈ મરિયમ બેગમે તેના લગ્ન જોસીમ શેખ નામના યુવક સાથે કરાવ્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી તેણી પતિ સાથે ગુજરાતના સુરત અને અમદાવાદમાં ગેરકાયદેસર રહેતી હતી. લગ્ન જીવનની શરૂઆતમાં બધુ વ્યવસ્થિત હતું. થોડા સમય બાદ પતિએ પોત પ્રકાશ્યુ અને પત્નીને દેહ વેપારમાં ધકેલી દીધી.
બાંગ્લાદેશી યુવતીની વિતકકથાના અંશોઃ
- હું પતિ સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં આવી. પહેલા સુરત અને ત્યારબાદ અમદાવાદમાં રહેવા લાગી. અમદાવાદમાં અમે પતિ જોસીમ શેખના કાકાના દીકરા શાઈદુલના વસ્ત્રાલ ખાતેના ફ્લેટમાં રહેતા હતા. જ્યાં થોડાક સમયગાળા બાદ શાઈદુલ અજાણ્યા માણસ સાથે ઘરે આવ્યો. શાઈદુલે રીહાનાને તેની સાથે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું. મેં ઈન્કાર કરતા તેણે ડરાવી ધમકાવી. મારા કોઈ સગા સંબંધી ભારતમાં ન હોવાથી કોની મદદ લેવી તે ખબર જ ના પડી. પછી તો એક બાદ એક રોજ અનેક ગ્રાહકો આવતા અને મારા શરીરને ચૂંથતા હતા. શાઈદૂલ ગ્રાહકો પાસેથી અડધા પૈસા લેતો હતો.
- ઘરમાં પતિને આ તમામ બાબતોની જાણ હોવા છતાં તેને કહેવા ગઈ તો તેણે પણ આ કામ કરવુ પડશે તેવી ફરજ પાડી, એક દિવસે તો પતિના ભાઈ શાઈદૂલે પણ મારી મરજી વિરુધ્ધ મારી પર બળાત્કાર ગુજાર્યો અને જોત જોતામાં હું દેહ વેપારના ગોરખધંધામાં સપડાઈ ગઈ. જે વ્યક્તિ સાથે લગ્ન કરી મેં સુખી જીવનના સપના જોયા હતા તેણે જ મને આ કારોબારમાં ધકેલી દેતા હું અંદરથી તુટી ગઈ હતી. થોડા દિવસો પછી પતિ જોસીમ શેખ મને સુરત શહેરમાં લઈ આવ્યો. અહીં પણ મારી સાથે આ જ કામ કરાવવામાં આવતું. અલગ અલગ હોટલમાં ગ્રાહકો પાસે મારો પતિ મને મોકલતો હતો.
- થોડા દિવસો સુરતમાં રહ્યા બાદ મારો પતિ સતત 5-6 દિવસ સુધી મને મળવા કે લેવા આવ્યો જ નહીં. હું સાવ એકલી પડી ગઈ. દેહ વેપાર કરતી અન્ય એક યુવતિએ મારી મદદ કરી. મને અમદાવાદના કામરુન નામના યુવકનો નંબર આપ્યો. હું કામરૂન ઉર્ફે અમીત સુનિલ દાસ તેની પત્ની સીમા તેમજ શાળા બાબુ આબુલહસન મુલ્લા સાથે રહેવા લાગી. અહીં પણ મને નિરાશા જ હાથ લાગી. આ લોકો દેહવેપાર સાથે સંકળાયેલા હતા. તેમણે મારા શરીરનો વેપાર જ કર્યો. ગ્રાહકો જૈ પૈસા આપતા એમાંથી અડધા પૈસા આ ત્રણયે જણા મારા પાસેથી લઈ લેતા. મને આ જીવન મંજૂર નહતું. મેં જેમ તેમ કરીને માતાને ફોન કર્યો અને આ તમામ આપવીતી જણાવી. મારી માતાએ મને સ્થાનિક પોલીસની મદદ લેવાનું જણાવ્યું. થોડા દિવસો પછી પોલીસની ટીમ આવી અને મને આ આરોપીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવી.
આ કેસમાં 5 માંથી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે બે આરોપીઓ જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટથી તેમની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આરોપીઓ આ રીતે કેટલી યુવતી અને સગીરાને આ રીતે દેહ વેપારમાં ધકેલી તે દિશામાં તપાસ ચાલુ છે...કે. ડી. જાટ(PI, નિકોલ પોલીસ સ્ટેશન)
નિકોલ પો. સ્ટેશનમાં FIR: આ તમામ આપવિતી નિકોલ પોલીસ સ્ટેશનમાં બાગ્લાદેશી સગીરાએ નોંધાવેલી ફરિયાદના આધારે લખવામાં આવી છે. જોકે આ ફરિયાદ નોંધાતા જ પોલીસે સીમા અને બાબુ અલહસન મુલ્લાની ધરપકડ કરી હતી. સગીરાનો પતિ અને તેના કાકાનો દિકરો શાઈદૂલ પહેલાથી જ આ પ્રકારે બાંગ્લાદેશી યુવતીઓને ભારતમાં લાવી દેહવેપાર કરાવવા મામલે ક્રાઈમબ્રાંચમાં નોંધાયેલા ગુનામાં જેલમાં કેદ છે. જ્યારે કામરૂન ફરાર છે. આરોપીઓ વિરૂદ્ધ IPC કલમ 376, 370 તથા અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ 1956ની કલમ 3,4,5,8 મુજબ ગુનો દાખલ કરાયો હતો. આ તમામ આરોપીઓ આ જ કામ સાથે સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે અત્યાર સુધીમાં આ રીતે બાંગ્લાદેશથી ભારતમાં કેટલી યુવતીઓને લાવીને આ ગોરખધંધામાં ધકેલી છે તે અંગે તપાસ માટે જેલમાં બંધ મુખ્ય આરોપીઓની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા નિકોલ પોલીસે કવાયત હાથ ધરી છે.
એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ માનવ તસ્કરી અને આ પ્રકારની બાબતો સામે કાર્યવાહી કરે છે. કોઈ પણ યુવતી કે સગીરાને જબરદસ્તી દેહ વેપારમાં ધકેલવામાં આવે તેવી બાબત ધ્યાને આવે તો દરોડા પાડવામાં આવે છે. પીડિત યુવતીઓનું રેસક્યુ કરીને આરોપીઓ વિરૂદ્ધ પોલીસ મથકમાં ગુનો દાખલ કરે છે...નિરજકુમાર બડગુજર(JCP, અમદાવાદ શહેર ક્રાઈમ)
એન્ટિ હ્યુમન ટ્રાફિક યુનિટની કામગીરીઃ અમદાવાદ શહેરમાં એન્ટિ હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા સતત કામગીરી કરીને દેહવિક્રેયના કાળા કારોબારમાં સપડાયેલી યુવતીઓને મુક્ત કરાવી સારૂ જીવન અપાવવા માટેની કામગીરી કરવામા આવે છે. જેમાં વર્ષ 2022થી અત્યાર સુધીની વસ્ત્રાપુર, નિકોલ, આનંદનગર, નારણપુરા, રામોલ, સેટેલાઈટ, બોડકદેવ, ઓઢવ, ચાંદખેડા અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 13 કેસ કરીને 50 પીડિત યુવતીઓને મુક્ત કરાવી છે. આ પ્રકારના કેસમાં 27 આરોપીઓ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 6 મહિલા આરોપી પણ સામેલ છે.