અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2018 તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી.શ્રી કુમાર અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સામે અમદાવાદમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ ત્રણેય આરોપીઓ સામે એસઆઇટીની તપાસ ચાલી રહી છે. ત્યારે આજે સેશન્સ કોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
6 જુલાઈના રોજ વધુ સુનાવણી: સામાજિક કાર્યકર તિસ્તા સેટલવાડ દ્વારા જે ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી છે તેનો સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજની સુનાવણી દરમિયાન સરકારે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આરોપીઓના સબૂત અને ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને તેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ આપવા જોઈએ નહીં. મહત્વનું છે કે 26 જૂનના રોજ તિસ્તા સેતલવાડે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસમાં બધું સુનાવણી 6 જુલાઈના રોજ હાથ ધરાશે ત્યારે કોર્ટ તિસ્તાને રાહત આપે છે કે પછી આગળની કાર્યવાહી હશે તે જાણવું મહત્વનું બની રહેશે.
ગુજરાત હાઇકોર્ટે ફગાવી અરજી: અત્રે મહત્વનું છે કે તિસ્તા સેતલવાડે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી દાખલ કરી હતી. જેને ગુજરાત હાઇકોર્ટ ફગાવી દીધી હતી. આ અરજીને કોર્ટે ફગાવી દેતા તુરંત પોલીસને સરેન્ડર થવા કહ્યું હતું. ઉપરાંત સેશન્સ કોર્ટમાં ચાલતા કેસમાં સહકાર આપવા કોર્ટે આદેશ આપ્યો હતો.
સુનાવણીમાં વિલંબ ન કરવા નિર્દેશ: ઉલ્લેખનીય છે કે સેશન્સ કોર્ટમાં ગુજરાત સરકારને 2002 કોમી રમખાણો કેસમાં બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. ત્યારે આગામી ચાર્જફ્રેમની મુદતમાં ફરજીયાત કોર્ટમાં હાજર રહેવા હાઇકોર્ટે તિસ્તાને આદેશ કર્યો છે. કેસ સુનાવણીમાં વિલંબ ન કરવા હાઇકોર્ટ દ્વારા સેશન્સ કોર્ટને નિર્દેશ અપાયો છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે: ગુજરાત હાઇકોર્ટે આપેલા આ ચુકાદા સામે દ્વારા તરત જ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઇકોર્ટના આપેલા ચુકાદા સામે અરજી દાખલ કરી હતી અને આ અંગે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક ધોરણે સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. જ્યાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા સામે સ્ટે આપ્યો હતો અને તિસ્તાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી બાદ ચાર્જ ફ્રેમની પ્રક્રિયા થઈ શકે છે.