સુરતના તક્ષશિલા ટ્યુશન કલાસમાં થયેલા અગ્નિકાંડમાં 22 વિધાર્થીઓના મોત થયા હતાં. ત્યારપછી ફાયર NOC ન ધરાવતા બાંધકામને સીલ કરવાની માગ પ્રચંડ બની હતી. ગુરુવારે આ મુદ્દે હાઈકોર્ટમાં રિટ દાખલ કરાતા કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકાર, સુરત મ્યુનિસિપલ અને પોલીસ કમિશ્નર સહિત તમામ પક્ષકારોને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 27મી જુનના રોજ હાથ ધરવામાં આવશે.
તો આ મામલે અરજદાર પક્ષના વકીલ વિશાલ દવેએ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે, ગુજરાતમાં ફાયર સેફ્ટીનો કાયદો હોવા છતાં કેટલાક રહેણાંક અને કોર્મશિયલ બિલ્ડીંગમાં ફાયરના નિયમોનું પાલન થતું નથી. તેવા બાંધકામોને સીલ કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. ઉપરાંત આવી દુર્ઘટના સર્જાય તો લોકોને વળતર પણ મળી રહે તેના માટે ફાયર વીમો ફરજીયાત કરાવવા કોર્ટ પાસે દાદ માગવામાં આવી છે. કોર્ટે તમામ પક્ષકારને નોટીસ પાઠવી આ મુદ્દે પોતાનો વલણ કે જવાબ રજુ કરવાનો આદેશ કર્યો છે.