અમદાવાદઃ વિવાદિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થતાં દોડધામ મચી હતી. અહીં બી. કોમ અને બીબીએના 2 જેટલા પેપર ફૂટ્યા હતા. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. પેપર લીક કેસમાં એચ. એન. શુક્લા કૉલેજના જિગર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ થતાં તેણે ધરપકડ થાય એ પહેલાં જ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી છે.
આ પણ વાંચોઃ Gujarat High Court : જૈન મહિલાએ સંસારનો ત્યાગ કરતા હાઈકોર્ટે તેના છૂટાછેડા કર્યા મંજૂર
ચાર્જશીટ બાદ પણ નહીં થાય ધરપકડઃ આ અરજીમાં જિગર ભટ્ટે રજૂઆત કરી હતી કે, પોતે નિર્દોષ હોવાથી જ્યાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેમની ધરપકડ કરવામાં ન આવે. સાથે જ અરજીને માન્ય કરતા ગુજરાત હાઈકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પોલીસને જિગર ભટ્ટની ધરપકડ નહીં કરવા માટેનો આદેશ આપ્યો છે. ચાર્જશીટ થયા બાદ પણ તેમની ધરપકડ કરવામાં નહીં આવે તેવું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે.
જિગર ભટ્ટની અરજી માન્યઃ મહત્વનું છે કે, ગઈકાલે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક મળી હતી. તેમાં પેપર લીક કેસમાં જે એચ. એન. શુક્લા કૉલેજનું નામ સામે આવ્યું હતું. તે કૉલેજ વિરૂદ્ધ કયા પ્રકારના પગલાં લેવામાં આવે તે બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રકારના પગલા લેવામાં આવે તે પહેલા જ જિગર ભટ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી દીધી છે, જેને હાઈકોર્ટે માન્ય રાખી છે.
શું છે સમગ્ર મામલો: ઑક્ટોબર 2022માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર 5 અને બીબીએ સેમેસ્ટર 5ના કોર્સની પરીક્ષાઓ 13 ઓક્ટોબરે યોજાવાની હતી. જોકે આ પહેલાં જ બંને કોર્સના પેપરો 12 ઓક્ટોબરએ ફૂટી ગયા હતા. આ પેપરો ભાજપના કૉર્પોરેટર નેહલ શુક્લા સંચાલિત એચ. એન. શુક્લા કૉલેજમાંથી ફૂટ્યા હોવાની વિગતો સામે આવી હતી. પેપર ફૂટ્યાના ઘણા દિવસ બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નહતી.
પોલીસે જિગર ભટ્ટ સામે નોંધી હતી ફરિયાદઃ પેપર ફૂટ્યાના 111 દિવસ બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ફરિયાદ નોંધાવી હતી, જેમાં એચ. એન. શુક્લા કૉલેજના કર્મચારી જિગર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે આ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે પણ જિગર ભટ્ટના નિવેદનની નોંધણી કરીને તેની પૂછપરછ કે અટકાયત કર્યા વગર જ તેમને જવા દીધા હતા.
જિગર ભટ્ટ સામેની કાર્યવાહી કરાશે કે નહીં તે ટૂંક સમયમાં ખબર પડશેઃ જોકે, ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની જે મહત્વની બેઠક મળી હતી. તેમાં એચ.એન શુક્લા કૉલેજ સામે કાર્યવાહી કરવામાં તેમ જ તેમના વિરુદ્ધ ક્યા પ્રકારના પગલાં લેવામાં આવે તે બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે, યુનિવર્સિટી દ્વારા કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવે તે પહેલાં જ કર્મચારી જિગર ભટ્ટ દ્વારા અરજી કરી દેવામાં આવતા હાલ પૂરતી જીગર ભટ્ટની ધરપકડ ઉપર રોક લગાવવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે હાઇકોર્ટમાં 28 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે. ત્યારબાદ જ ખબર પડશે કે જીગર ભટ્ટ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.