અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચના દિવસે એક રેકોર્ડ બન્યો છે. એરપોર્ટ ઓથોરિટીએ કુલ 40,801 પેસેન્જર્સ અટેન્ડ કર્યા હતા. એરપોર્ટ ઓથોરિટીના માઈક્રો પ્લાનિંગ અને આગોતરી સજ્જતાને પરિણામે આટલા પેસેન્જર્સ વિના તકલીફે પ્રવાસ કરી શક્યા હતા. તેમજ કુલ 359 ફ્લાઈટ્સની એર ટ્રાફિક મૂવમેન્ટસ (ATM)નો હેન્ડલ કરવાનો પણ રેકોર્ડ કર્યો છે.
રેકોર્ડ વિશેઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ના એર સ્પેસને ફાઈનલ મેચ સંદર્ભે એરફોર્સ દ્વારા કરવામાં આવનાર એરશોને લીધે 45 મિનિટ સુધી બંધ રાખવામાં આવી હતી. તેથી આ એરપોર્ટે આ રેકોર્ડ માત્ર 23 કલાકમાં જ સર્જ્યો હતો. 40,801 પેસેન્જર્સમાં 33,642 ભારતીય અને 7,159 આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે. જ્યારે 359 ફ્લાઈટ્સની વાત કરવામાં આવે તો 260થી વધુ શિડ્યુઅલ અને 99 નોન શિડ્યુઅલ ફ્લાઈટનો સમાવેશ થાય છે. સર્વાધિક પેસેન્જર્સને અટેન્ડ કરવાની સાથે આ એરપોર્ટ દ્વારા બે VVIP મહેમાનોના સ્વાગત અને મુસાફરી કાર્યક્રમ પણ સુપેરે પાર પાડ્યો હતો. 18મી નવેમ્બરે પણ SVPIA દ્વારા 273 ફ્લાઈટ્સના મૂવમેન્ટ સાથે 38,723 પેસેન્જર્સને હેન્ડલ કર્યા હતા. જે બીજી સૌથી મોટી મૂવમેન્ટ હતી. આ અસાધારણ સિદ્ધિ SVPIAના સુવિક્સિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અવિરત સુધારાઓનું પરિણામ છે. તેમજ AAI, CISF, ઈમિગ્રેશન, કસ્ટમ્સ, એરલાઈન પાર્ટનર્સ અને SVPIA ટીમ અને સ્ટાફના સમર્પણ અને મહેનતના કારણે આ શક્ય બન્યું છે.
SVPIA પર ફેસેલિટીઝઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(SVPIA) પર પેસેન્જર્સ કોઈ પણ પ્રકારની અગવડ વિના સુગમતાથી મુસાફરી કરી શકે તે માટે અનેક ટ્રાવેલ ફેસેલિટીઝ ઊભી કરવામાં આવી છે. જેમાં સેલ્ફ બેગેજ ડ્રોપ, ન્યૂ ઈમિગ્રેશન એરિયા, ડાયનેમિક ક્યૂ મેનેજમેન્ટ, અરાઈવલ એક્સટેન્શન, ન્યૂ સીક્યૂરિટી ચેકિંગ એરિયા, ફ્લોર વોકિંગ કસ્ટમર્સ સર્વિસ એક્ઝિક્યૂટિવ્સ, અરાઈવલ હોલ વિથ એડિશનલ બેલ્ટ, અપગ્રેડ ચેક-ઈન-સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે.