અમદાવાદઃ ગુજરાતમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય એ બાબતે રાજ્ય સરકાર ભાર મુકી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 6 દિવસથી સનાથલ ચોકડી સાથે હેલ્થ ચેકપોસ્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવા માટે હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવતી એસ.ટી. બસ તથા ખાનગી વાહનોમાં આવતા પ્રવાસીનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ હેલ્થ ચેકપોસ્ટ પર મંગળવારે 47 એસ.ટી. બસ, 8 ખાનગી બસ અને 45 ખાનગી કાર સહિત કુલ 100 વાહનોના 883 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 12 લોકોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ જણાયો હતો, તેમ ફરજ પરના ડૉ. શરદ ગોહિલે જણાવ્યું હતું.
સનાથલ ચોકડી ખાતે ઉભી કરાયેલી હેલ્થ ચેકપોસ્ટ ખાતે કોર્પોરેશનની 7 ટીમ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પણ જરૂરી વ્યવસ્થા જળવાઇ રહે તથા વારાફરતી વાહનમાં સવાર પ્રવાસીના ટેસ્ટિંગ કરવામાં આવે તે માટેનો જરૂરી સહકાર આપવામાં આવી રહ્યો છે. રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા અહીંયા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં કોરોનાના શંકાસ્પદ જણાતા પ્રવાસીને જે-તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવે છે ત્યાં કોરોનાની વધુ સઘન સારવાર આ પ્રવાસીને આપવામાં આવે છે.