અમદાવાદ: આવતીકાલે અયોધ્યામાં ઐતિહાસિક ભૂમિપૂજનને લઇ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાતના સાત સાધુ-સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેઓ અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા માટે રવાના થયા છે. જેમાં SGVPના અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ માધવપ્રિયદાસજી સ્વામી, હિન્દુ આચાર્ય સભાનાના વડા સ્વામી પરમાત્માનંદજી મહારાજ, જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણી જી મહારાજ, સતકેવલ સંપ્રદાય સારસાના અવિચલદાસજી મહારાજ અને બાપ્સના વડા મહંત સ્વામી સહિતના મહંતોને મંદિર પરિષદ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કોરોનાના કહેરના કારણે રામ ભક્તો મંદિરના શિલાન્યાસમાં નહિ જોડાઈ શકે, પરંતુ વડાપ્રધાન મોદી સાધુ-સંતો અને અગ્રણીઓ સાથે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આમંત્રિત સંતશ્રીઓએ અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા માટે પ્રસ્થાન કર્યું હતું.
આ ભૂમિપૂજન કાર્યક્રમની ભવ્યતા અને પ્રચારમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કોઈ કસર છોડી રહ્યું નથી. તેવામાં અમદાવાદ શહેરમાં પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમો અલગ અલગ જગ્યા ઉપર સંગઠનો દ્વારા રાખવામાં આવ્યા છે. જેને લઇ અમદાવાદમાં પણ પૂરજોશમાં કામગીરીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.