- શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાવવાની વાતને કોંગ્રેસે ફગાવી
- આવી કોઈ જ પ્રકારની વાત પ્રદેશ કક્ષાએ અથવા હાઇકમાન્ડ કક્ષાએ ધ્યાનમાં આવી નથી - પ્રવક્તા
- શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં જોડવા અંગે હાઇકમાન્ડ નક્કી કરશે - જયરાજસિંહ પરમાર
અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ફરી એક વખત જોડાવાના છે, તેવી વાત વહેતી થઇ છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાને લઈને જે રીતે વહેલી સવારથી જ જાહેર મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. તેની પર પ્રકાશ માત્ર શંકરસિંહ વાઘેલા જ પાડી શકે છે.
કોંગ્રેસે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું રહેતુ નથી
કોંગ્રેસ અથવા કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાએ હાઈકમાન્ડ કક્ષાએ કોઇ જ આ પ્રકારની વાત જાણવા મળી નથી. હાઇકમાન્ડ કક્ષાએ કોઇ વાત શંકરસિંહ બાપુએ કરી હોય તો તેની પર માત્ર પ્રકાશ શંકરસિંહ વાઘેલા જ પાડી શકે છે. કોંગ્રેસ પ્રદેશ કક્ષાએ આવી કોઈ પ્રકારની માહિતી નથી. આ સાથે બીજી એક વાત એ પણ છે કે, શંકરસિંહ વાઘેલા બાપુ કોંગ્રેસમાં આવવા માગતા હોય તો તેમનો વ્યક્તિગત મત છે. તેમા કોંગ્રેસે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું રહેતુ નથી, તેમ કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું છે.
કોંગ્રેસ બાપુને સ્વીકારવા તૈયાર છે?
જયરાજસિંહ પરમારે આ મુદ્દે જણાવ્યું કે, એક વાત સ્પષ્ટ છે. વર્ષો પહેલા લોકશાહીમાં માથા કાપીને રાજ મળતું હતું. ત્યારે આજે લોકશાહીમાં વધુ માથા ભેગા કરે તેને રાજ મળે છે. આ સિદ્ધાંત નિશ્ચિત છે. શંકરસિંહની વાત કરીએ તો આ વાત કોઈ પણ પ્લેટફોર્મ પર કે કોઈપણ જગ્યાએથી સામે આવી નથી.
હાઇકમાન્ડ જ નક્કી કરશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા તરીકે એક બાબત સ્પષ્ટ છે કે, આ બાબત અમારી સમક્ષ કોઈપણ પ્રકારે આવી નથી. કદાચ ભવિષ્યમાં આવશે, તો હાઇકમાન્ડ જ આ અંગે નક્કી કરશે અને નિશ્ચિત કરશે કે, બાપુને ફરી એક વખત કોંગ્રેસમાં ઘરવાપસી આપવી કે નહીં.