ગુજરાત રાજ્યની 10,000થી વધુ ખાનગી શાળાઓમાં ૧.૧૭ લાખ બેઠકો પર પ્રવેશ માટે રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના પ્રથમ દિવસે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી 44,000 જેટલા ફોર્મ ડાઉનલોડ કરાયા હતા અને 25,000 વાલીઓની અરજી કન્ફર્મ થઈ છે.
પહેલા દિવસે જ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ટેકનીકલ ખામીઓ જોવા મળી હતી જેના લીધે વાલીઓ પરેશાન થયા હતા. સાંજે 4 કલાકે સર્વર ડાઉન થતાં વેબસાઇટ બંધ થઇ ગઇ હતી. જેના કારણે એક સાથે અનેક વાલીઓએ લોગ ઈન કરતા સર્વર ક્રેશ થયું હતું.
15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. પરંતુ આજે પ્રથમ દિવસે જ 44,000 વાલીઓએ અરજી કરતાં આ વર્ષે ભારે ઘસારો થવાની શક્યતા છે.