અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી એક વાર લૂંટની ઘટના બની છે. આ વખતે તસ્કરોએ આંબલી ગામ રોડ પર આવેલી એક ઑફિસને ટાર્ગેટ બનાવી હતી. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આંબલી પાસે ફરી ચડ્ડી બનિયનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. અહીંની એક ઑફિસમાં 5થી વધુ શખ્સો બુકાની બાંધીને ત્રાટક્યા હતા. આરોપીઓએ અહીં હાજર એક વ્યક્તિને માથામાં પાઈપ મારી ઈજાઓ પહોંચાડી અને અન્ય યુવકને બંધક બનાવી ઓરડીમાં પૂરી 1 લાખથી વધુની લૂંટ ચલાવી હતી.
આ પણ વાંચોઃ Surat Loot Case: જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારી ગેંગ જેલભેગી, LCBની મોટી સફળતા
આરોપીઓએ 2 લોકો પર કર્યો હુમલોઃ સરખેજ આંબલી ગામ રણછોડપુરા નજીક હાઉસ ઑફ આદીના નામથી બિલ્ડીંગ-કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિલ્ડરની ઓફિસમાં આ ઘટના બની હતી. તેમાં શનિવારે રાત્રે અજાણ્યા 5 લોકો હથિયાર સાથે આવ્યા ને ઑફિસમાં પગી તરીકે કામ કરતા અને ત્યાં રહેતા વ્યક્તિને બહાર માથામાં પાઈપ મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ત્યારબાદ બીજા એક યુવકને બંધક બનાવી ગળા પર છરી મૂકી આરોપીઓ ઑફિસમાં ઘુૂસ્યા અને લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આરોપીઓ CCTVમાં કેદઃ લૂંટ કરનારી ગેંગ ગુનો કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. સાથે સાથે બિલ્ડીંગમાં કામ કરતા લોકોનું વાહન પણ લઈને ફરાર થઈ ગઈ હતી. જોકે, આરોપીઓએ રોકડ રકમ, ટીવી, બાઈક લૂંટી જતા અંતે આ મામલે સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં સામેલ ગેંગ ઑફિસના CCTVમાં કેદ થઈ હતી. તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Rajkot Loot Case: લૂંટના આરોપી CCTVમાં કેદ થયા, છરી બતાવી કહ્યું, જે હોય એ આપી દો
આરોપીઓએ 1.5 લાખના મુદ્દામાલની કરી લૂંટઃ ગુનામાં સામેલ ગેંગ ખરેખર ચડ્ડી બનિયાનધારી છે કે, કેમ તે અંગે આરોપીઓ ઝડપાયા બાદ ખુલાસા થશે. જોકે, હાલ આ ઘટનાને લઈને પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી ગુનામાં સામેલ ગેંગને પકડવાની કવાયત તેજ કરી છે. તો આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના PI વી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ 60,000 રૂપિયા રોકડ, ટીવી અને બાઈક સહિત 1.5 લાખના મુદ્દામાલની લૂંટ કરી છે.