અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથની 146 મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે મહત્વનું છે કે પોલીસ દ્વારા એક તરફ હિસ્ટ્રી સિટરો સહિતના લિસ્ટેડ ગુનેગારો સામે પગલાં ભરીને તેઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવી રહ્યા છે. બીજી તરફ રથયાત્રામાં કોમ્યુનિટી પોલીસી કરીને લોકો અને પોલીસ વચ્ચેનો ગેપ દૂર કરી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ રથયાત્રામાં દેખાય તો તેની જાણ પોલીસને કઈ રીતે થઈ શકે તે તમામ બાબતોને લઈને કામગીરી તેજ કરવામાં આવી છે.
રથયાત્રા સંદર્ભે બેઠકો: આ સિવાય અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અખાડા એસોસિએશન, ટ્રક એસોસિએશન, ભજન મંડળીઓ તેમજ અન્ય સમિતિઓ સાથે 343 જેટલી મીટીંગો કરવામાં આવી છે. તેમજ રથયાત્રા સંબંધે સ્ટ્રીટ લાઇટ, ટ્રી ટ્રીમિંગ, જર્જરીત મકાનો, ગેસ- કેરોસીન વિક્રેતાની મીટીંગ, રૂટ પરના ધાબા ચેકિંગ અને રખડતા ઢોર અંગે 280 જેટલી અલગ અલગ રીતે કામગીરી કરવામાં આવી છે.
ચુસ્ત ચેકીંગ: રથયાત્રા સંબંધે પોલીસ દ્વારા બંધ 18 કેમેરાઓ રિપેર કરવામાં આવ્યા છે. તેમજ 157 કેમેરા રોડ ઉપર નવા લગાડવામાં આવ્યા છે. હાલ 1523 જેટલા સીસીટીવી કેમેરા સમગ્ર રૂટ ઉપર કાર્યરત છે. સાથે જ 841 જેટલી મોબાઇલની દુકાનોને ચેક કરવામાં આવી છે અને 491 મોબાઈલ સીમકાર્ડની દુકાનો ચેક કરવામાં આવી જેમાં જાહેરનામા ભંગના ત્રણ કેસ કરવામાં આવ્યા છે. રથયાત્રા સંબંધે 440 ટુ-વ્હીલર વેચાણ ની દુકાનો ચેક કરવામાં આવી જેમાં જાહેરનામા ભંગના બે કેસ કરવામાં આવ્યા છે.
'રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂરઝડપે કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ અલગ અલગ પ્રકારે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. રથયાત્રામાં પોલીસ બંદોબસ્તની સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે શહેરીજનોને અમારી અપીલ છે કે કોઈપણ પ્રકારની આપવામાં ગેરમાર્ગે ન દોરાય અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પણ સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખી રહ્યું છે. અફવા ફેલાવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.' -નિરજકુમાર બડગુજર, JCP, અમદાવાદ શહેરના સેકટર 1
કડક પોલીસ બંદોબસ્ત: અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અણબનાવ ન બને એના પર પણ પોલીસ પૂરતું ધ્યાન આપી રહી છે. આ સાથે જ પોલીસ બોડી વોર્ન કેમેરા, ડ્રોન ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. રથયાત્રાના બંદોબસ્તમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવવાનો છે. જેમાં શહેર પોલીસના 15,000 જેટલા જવાનો ખડે પગે રહેશે, રથયાત્રાના રૂટની વાત કરવામાં આવે તો સમગ્ર રૂટમાં 11 IG,50 SP, 100 DYSP, 300 PI, 700 જેટલા PSI, 15000 જેટલા પોલીસ જવાનો અને 6000 જેટલા હોમગાર્ડના જવાનો અને SRP/CAPF ની 35 જેટલી કંપનીઓ ખડે પગે રહેશે.