અમદાવાદ: હૃદયમાં પરોપકારની ભાવના હોય તો પૈસાદાર હોવું જરૂરી નથી. અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને ફક્ત 5 જ ધોરણ ભણેલા રણછોડ ભાઈ અમદાવાદ વીએસ હોસ્પિટલની સામે દાળવડાની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓએ અત્યાર સુધીમાં 64 થી પણ વધુ લોકોને રક્તદાન કર્યું છે. તેમના આ કાર્યથી અનેક લોકોને મદદ મળી છે.
પ્રથમ વખત રક્તદાન: રણછોડભાઈએ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેમણે પોતાના જીવનમાં સૌથી પહેલા 18 વર્ષની ઉંમરે 1992માં રક્તદાન કર્યું હતું. તે વી.એસ.હોસ્પિટલની સામે દાળવડાની લારી ચલાવી રહ્યા હતા. એક દિવસ તે દાળવડા બનાવી રહ્યા હતા તે સમયે દૂર ગામડાથી આવેલ એક ગરીબ દર્દી જેના છોકરાને વી.એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શરીરમાં લોહી ઓછું થઈ જતા તેને બે બોટલ લોહીની જરૂર ઊભી થઈ હતી. કોઈ સબંધી તાત્કાલિક ન આવી શકતા તેમને લોહી આપ્યું હતું.
રક્તદાનનો સંકલ્પ: ગામડાથી આવેલ એક ગરીબ દર્દીને રક્ત મળ્યું તે પહેલા દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક દિવસ અચાનક તે સવારમાં નાસ્તો કરવા માટે તે દર્દી રણછોડભાઈની લારીએ નાસ્તો કરવા પહોંચ્યો હતો. તેમની વ્યથા રણછોડભાઈને સંભળાવતા રણછોડભાઈએ લોહી આપ્યું અને દીકરાનો જીવ બચી ગયો હતો. આ ઘટના બાદ તેમને નક્કી કર્યું કે જયારે પણ લોહીની જરૂર પડશે ત્યારે લોહી આપશે.
રક્તદાન કરવાથી થાય છે ફાયદો: રણછોડભાઈનું માનવું છે કે જરૂરિયાત હોય ત્યારે કે બે ત્રણ મહિને જો આપણે લોહી કોઈને આપીએ તો આપણા શરીરમાં રોગ થતા નથી. શરીરને નવું લોહી પણ પ્રાપ્ત થાય છે કોઈ વ્યક્તિને લોહી આપ્યા બાદ આપણા શરીરની અંદર 72 કલાકમાં જ નવું લોહી બની જાય છે. આપણા શરીરમાં લોહી પાતળું થતું નથી. જેના કારણે અનેક રોગોથી લાભ મળે છે અને ખાસ કરીને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઓછું થાય છે.