અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તાર રખિયાલ વિસ્તારમાં કાશીબાઈ ચાલીના ગેટ પાસે ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરનાર આરોપીની શહેર SOG ક્રાઈમે ધરપકડ કરી છે. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સહિત અન્ય બે આરોપીઓને પણ ઝડપી લેવાયા છે.
શું હતો સમગ્ર મામલો : ગોમતીપુરમાં આવેલી કાશીબાઈની ચાલીમાં રહેતા નાસીર હુસેન શેખ પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની હતી. 22મી જાન્યુઆરી 2023ના રોજ તેઓ પોતાના મિત્રની દીકરીની સગાઈનો પ્રસંગ હોય તેની તૈયારી માટે મોડી રાત સુધી ત્યાં હાજર હતા. નાસિર હુસેન રાત્રે અઢી વાગે આસપાસ ચાલીમાં રહેતા મિત્રો સાથે ચાલીના નાકે ફૂટપાથ ઉપર તાપણી કરી રહ્યા હતા. તે સમયે અકબરનગરના છાપરામાં રહેતો ફઝલ અહેમદ શેખ અને તેનો ભાઈ અલ્તાફ તેમજ તેના ચાર મિત્રો એમ કુલ 6 લોકો એક કાર લઈને ત્યાં આવ્યા હતા. ફઝલ અહેમદે ફરિયાદી પાસે જઈને ઈકબાલ બાટલી ક્યાં છે તેવું કહેતા ફરિયાદીએ પોતાને ખબર ન હોવાનું જણાવતા ફઝલ અહેમદે તેની પર ઉશ્કેરાઈને તેને માર માર્યો હતો અને તમામ આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને ગડદાપાટુનો માર મારવાનો શરૂ કર્યો હતો.
બે રાઉન્ડ હવામાં ફાયરિંગ : નાસીર હુસેન બુમાબુમ કરતા ફઝલે ફોરવ્હીલ ગાડીમાંથી એક પિસ્ટલ લઈને બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, જેથી ફરિયાદી અને તેના મિત્રો ડરીને દોડીને ચાલીની અંદર ભાગી રહ્યા હતા. તે સમયે ફઝલે એક રાઉન્ડ ફાયરિંગ ફરિયાદીની પાછળ કર્યું હતું. જોકે ફરિયાદી અંદર ફરાર થઈ ગયા હતા. જે બાદ થોડા સમય બાદ ફરિયાદી ચાલીના ગેટ પાસે આવ્યા હતા અને જોતા તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. તે વખતે હોમગાર્ડના બે જવાનો ત્યાં આવ્યા હતા અને અંતે રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : Ahmedabad Crime: સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, રિક્ષામાં લગાડી આગ
ગુનામાં વપરાયેલું હથિયાર ખરીદ્યું : આ ઘટનાના પગલે રખિયાલ પોલીસે 6 શખ્સો સામે મારામારી હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો કામે લગાડી હતી અને ઘટના સ્થળ પરથી એક ફૂટેલા કારતુસને પણ કબજે કર્યો હતો. આ મામલે શહેર SOG ક્રાઈમ એ ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ કરનાર આરોપી ફઝલ શીખે એક મહિના પહેલા જુહાપુરા વિસ્તારમાંથી ગુનામાં વપરાયેલું હથિયાર ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું અને ઝગડાની અદાવતમાં ફરિયાદી અને તેના મિત્રની હત્યાનું કાવતરું રચીને ગુનાને અંજામ આપ્યું હતું.
આ પણ વાંચો : Firing in USA: ગુજરાતીની ગોળીમારી હત્યા, સ્વામી ઘનશ્યામપ્રકાશ આપશે મુખાગ્ની
આરોપીને રખિયાલ પોલીસને સોંપ્યો : આ સમગ્ર મામલે શહેર SOG ક્રાઈમના DCP જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, હાલ આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીઓને ઝડપીને ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કરવામાં આવ્યું છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અને હત્યાના ઇરાદે 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલ આરોપીને રખિયાલ પોલીસને સોંપીને આગળની તપાસ રખિયાલ પોલીસને આપવામાં આવી છે.