- પહેલી માર્ચે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન
- ભાજપે બે ઉમેદવારના નામ જાહેર કર્યા
- કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા
અમદાવાદ : ભાજપે મંગળવારે રાજ્યસભાના ઉમેદવાર માટે રાજકોટના રામ મોકરીયા અને બનાસકાંઠાના દિનેશભાઈ અનાવાડિયા(પ્રજાપતી)ના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પણ હજૂ સુધી તેમની સામે કોંગ્રેસે તેમના ઉમેદાવારના નામોની જાહેરાત કરી નથી. અને કોંગ્રેસ પક્ષમાં તે મુદ્દે કોઈ સળવળાટ પણ જોવા મળ્યો નથી.
વિધાનસભામાં સંખ્યાબળને જોતા ભાજપના બન્ને ઉમેદવારો જીત નિશ્ચિત
આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી બે ઉમેદવાર માટે છે, અને તે બન્નેની ચૂંટણી માટે નોટિફિકેશન અલગ છે, જેથી વિધાનસભામાં સંખ્યાબળને જોતાં આ બે બેઠક પર ભાજપના જ ઉમેદવારની જીત થવાની છે. જેથી કોંગ્રેસ તેમના ઉમેદવાર ઉભા નહી રાખે. અને આથી જ ભાજપના રામભાઈ મોકરિયા અને દિનેશભાઈ પ્રજાપતી બિનહરીફ વિજેતા જાહેર થશે.
રાજ્યસભામાં ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ 18 ફેબ્રુઆરી
ભારતના ચૂંટણી પંચના નોટિફિકેશન અનુસાર રાજ્યસભાના ઉમેદવારે 18 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવાનું છે. આજે 16 ફેબ્રુઆરીનો દિવચાસ પૂર્ણ થયો છે. એટલે કે 17 ફેબ્રુઆરીએ કોંગ્રેસે નામ જાહેર કરવું પડે, અને 18 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી દેવું પડે. પણ કોંગ્રેસમાં હજી સુધી આ અંગે કોઈ હલચલ નથી.
કોંગ્રેસના મોવડીમંડળ પર નજર
કોંગ્રેસના સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસના ઉમેદવાર હારી જ જવાના છે, તેની જાણ હોવા છતાં કયા ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરે. હા કોંગ્રેસનું દિલ્હીનું મોવડીમંડળ શું નિર્ણય કરે છે? તેના પર મીટ મંડાયેલી છે. અત્રે ઉલ્ખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ, ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલની સલાહ લીધી હતી કે, આ ચૂંટણી કેમ અલગ અલગ જાહેર કરાઈ છે. તેને પડકારી શકાય કે કેમ? પણ તેમને નિષ્ફળતા મળી હતી, નહીં તો હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરી દીધી હોત. હવે બુધવારનો દિવસ અતિમહત્વનો છે. કોંગ્રેસનું મોવડીમંડળ શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.