અમદાવાદ: શહેરના એરપોર્ટ નજીકની હોટેલમાં કોંગી ધારાસભ્યો, સિનિયર નેતાઓ માટે કોંગ્રેસે રૂમ બુક કરાવ્યા છે, હવે તમામ કોંગી ધારાસભ્યો ચૂંટણી સુધી આ હોટેલમાં રોકાશે, ત્યાંથી સીધા મતદાન કરવા માટે ગાંધીનગર પહોંચશે. ત્યારે પ્રદેશ પ્રભારી પણ દોડી આવ્યા છે, આ ઉપરાંત નિરીક્ષકો રજની પાટીલ અને બી.કે. હરિપ્રસાદ પણ ટૂંક સમયમાં આવી જશે. તેમની હાજરીમાં કોંગી ધારાસભ્યો સાથે મિટિંગ યોજાશે, આ મિટિંગમાં રાજ્યસભા ચૂંટણીને લઈ માર્ગદર્શન આપવામાં આવશે.
ચૂંટણીમાં કોંગ્રેસના પ્રથમ ક્રમના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને બીજા ક્રમના ઉમેદવાર ભરતસિંહ સોલંકી છે, અત્યાર સુધી કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, કોંગી ધારાસભ્યોનું સંખ્યાબળ અત્યારે 65 છે. કોંગી નેતાગીરી અત્યારે બીટીપીના બંને મત મળે તે માટે ધમપછાડા કરી રહી છે. કોંગી નેતાઓ એવો સૂર આલાપી રહ્યા છે કે, તેમના બંને ઉમેદવારો જીતશે. જોકે અંદર ખાને હજુ કોઈ ધારાસભ્ય તૂટે તેવો ડર સતાવી રહ્યો છે.